News of Tuesday, 30th July 2024
ગુજરાતમાં ચાલુ રહેલા વરસાદથી આયાત-નિકાસને કરોડોની અસર
દક્ષિણ અને મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના માર્ગો પર પાણી ભરાયાં :બંદરો ઉપર આયાત-નિકાસના માલના લોડિંગ-અનલોડિંગ પર બ્રેક વાગી

નવી દિલ્હી,તા. ૩૦: ગુજરાત રાજયમાં છેલ્લા ૧૦ દિવસ ઉપરાંતથી સર્વત્ર ભારે વરસાદના પગલે આયાત - નિકાસને કરોડો રૂપિયાની અસર પડી છે. દ.ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની અસર હજી પણ ચાલુ છે ત્યારે આજે ઉત્તર ગુજરાતમાં પડેલા ભારે વરસાદના પગલે ઉત્તર ભારતમાંથી કંડલા, મુંદ્રા જતા કંટેનરોની હેરફેર ઉપર બ્રેક વાગી છે. બીજી તરફ કંડલા, મુંદ્રા, હજીરા સહિતના વિવિધ બંદરો ખાતે પણ આયાતી માલ સામાનના ક્લિયરન્સનું પ્રમાણ ઘટ્યું છે. બીજી તરફ સમગ્ર રાજયમાં આયાત - નિકાસસાથે સંકળાયેલી કંપનીઓ હાલમાં માલ સામાનની ઘટેલી હેરફેરના પગલે લોજિસ્ટિક પ્રશ્નોનો સામનો કરી રહી છે.
ગુજરાતમાંથી મહારાષ્ટ્રના જેએનપીટીથી થતી આયાત - નિકાસના કંટેનરો પણ અટવાયા છે. દ.ગુજરાતમાં વલસાડ, સુરત, ભરૂચ. વડોદરા જિલ્લામાં પડેલા ભારે વરસાદથી નેશનલ હાઇવે પર ઠેર ઠેર પાણી ભરાઇ જવા તથા માર્ગો ઉપર વાહનોની કિલો મીટરો સુધીની લાઈનોનો પગલે સમયસર માલસામાન પહોંચી શકતો નથી. સામાન્ય પરિસ્થિતિમાં બેથી ત્રણ દિવસમાં જ કંટેનરો બંદરો પર પહોંચી જતા હતા તે હાલમાં ચારથી છ દિવસ સુધી પહોંચી શકતા ન હોવાનું પણ બહાર આવ્યુ છે. બીજી તરફ શિપિંગ ચાર્જ પણ કંપનીઓને વધુ ચૂકવવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
બીજી તરફ ટ્રક - કંટેનરની તંગીથી ટ્રાન્ઝિટ ટાઈમ પણ વધી જવા પામ્યો છે. બંદરો ખાતે પણ પાણી ભરાઈ જવાની સમસ્યાઓના પગલે વાહનો પહોંચવામાં વિલંબ થઈ રહ્યો છે. ઉત્તર ભારતમાંથી કંડલા અને મુંદ્રા તથા જેએનપીટી.હજીરા માટે મોકલાયેલા કંટેનરો આજે ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં ચાર થી પાંચ ઈંચ વરસાદના પગલે નેશનલ હાઇવે ૪૮ ઉપર વિવિધ સ્થળોએ અટવાયા છે.
છેલ્લા ૧૦ દિવસમાં વલસાડ, સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે નેશનલ હાઇવે ઉપર ઠેર ઠેર ધુંટણ સમા પાણી ભરાઈ જવાની સમસ્યા તથા માર્ગ ઉપર પડેલા વિશાળ ખાડાઓના પગલે વ્યવહાર અત્યંત ધીમો થઇ જવા પામ્યો હોવાનું એક અગ્રણી ટ્રાન્સપોર્ટરે જણાવ્યું હતુંબીજી તરફ વિવિધ જીઆઇડીસીઓમાં પણ માલ -સામાન લેવા - ઉતારવા માટે ગયેલી ટૂંકો - કંટેનરો પણ માર્ગો ઉપર
ભરાયેલા પાણીના પગલે કંપનીઓ સુધી પહોંચી શકતા નથી. કંપની સુધી ગમે તે રીતે પહોંચે તો ત્યાં પણ સામાન ખાલી કરવા - ભરવા માટે શ્રમિકોની સમસ્યાઓ નહે છે.
રાજયના નાના બંદરો અને ખાનગી જેટી દ્વારા પણ થતી માલ સામાનની હેરફેરને પણ ભારે વરસાદથી અસર પડી છે. મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, નંદેસરી. હાલોલ, અંકેલશ્વર, ભરૂચ,દહેજ. પાનોલી, વાઘોડિયા સહિતની જીઆઇ ડીસીઓની આઘાત -નિકાસ સાથે સંકળાયેલી કંપનીઓ પણ ભારે વરસાદના પગલે કેટલાક દિવસ માટે વિલંબિત થયેલી માલસામાનની હેરફેરની સમસ્યાનો સામનો કરી રહી છે. (૨૨.૩)
લોજિસ્ટિક મેનેજમેન્ટને અસર
મોટી કંપનીઓ દ્વારા લોજિસ્ટિક મેનેજમેન્ટ ઉપર ભાર મુકવામાં આવે છે ત્યારે ભારે વરસાદની પરિસ્થિતિથી લોજિસ્ટિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાલની પરિસ્થિતિથી ભારે તણાવમાં મુકાય છે. કાચો માલ નિયત સમયે ન મળે અને ઉત્પાદિત સામાનની રવાનગી ન થાય ત્યાં સુધી આ અધિકારીઓને વિવિધ વિભાગના પ્રોડકશન હેડ સાથે સંકલન સાધવું પડે છે,
ટ્રેન દ્વારા કંટેનર મોકલવામાં પણ સમસ્યા
ટ્રેન દ્વારા કંટેનર મોકલવાની પણ સમસ્યા ઉદ્યોગોને નડી રહી છે. મહારાષ્ટ્ર અને દ ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે અવારનવાર ટ્રેન વ્યવહારને પણ અસર પડી રહી હોવાથી ઉદ્યોગો ટ્રેન દ્વારા કંટેઈનર મોકલવાના વિકલ્પનો પણ ઓછો ઉપયોગ કરે છે.
રાજયમાં ૨૫ ટકા ભારે વાહનો થંભી ગયા
ગુજરાતમાં ૧૧ લાખ ભારે વાહનોમાંથી ૨૫ ટકા વાહનો હાલમાં થંભી જવા પામ્યા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું, અંકલેશ્વર -પાનોલી, વાપી -વલસાડ, નવસારી - સુરત, ભરૂરા-વડોદરાના નેશનલ હાઇવે ૪૮ના પટ્ટા ઉપર વાહન વ્યવહારને ભારે અસર પડી રહી હોવાનું પણ બહાર આવ્યું છે.
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
