<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

સોના પરની ડ્‍યૂટી ઘટાડા બાદ દાણચોરી લગભગ સમાપ્‍ત

અમદાવાદ એરપોર્ટ પર દાણચોરી કરાવતા અધિકારીઓ-મળતિયાઓને મોટો ફટકો

અમદાવાદ, તા.૩૧: અસુવિધા માટે ચર્ચામાં રહેતું અમદાવાદ એરપોર્ટ ૨૩મી જુલાઇ પહેલા દાણચોરીને લઇને હંમેશા વિવાદમાં રહેતું હતું. દેશ અને દુનિયાભરના દાણચોરો દાણચોરીનું સોનું બહાર કાઢવા માટે અમદાવાદ એરપોર્ટને જ સલામત ગણતા હતા અને રોજનું કરોડો રૂપિયાનું દાણચોરીનું સોનું અમદાવાદ એરપોર્ટ પરથી નીકળી જતું હતું. જોકે, બજેટમાં સોનાની ડ્‍યૂટી ૯ ટકા ઘટાડવાની જાહેરાત સાથે જ સોનાના ભાવમાં લગભગ પાંચથી છ હજારનો ઘટાડો થયો છે. દુબઇ અને ભારતમાં સોનાના ભાવ વચ્‍ચેનો તફાવત ઘટતાં દાણચોરી લગભગ બંધ જેવી થઇ ગઇ છે. છેલ્લા અઠવાડિયામાં અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીના સોના સાથે કોઇ પેડલર ઝડપાયો પણ નથી.

છેલ્લા કેટલાયે દાયકાઓથી સોનાના ભાવમાં કયારેય ઘટાડો થયો નથી. જોકે, કેન્‍દ્રીય નાણાંમંત્રીએ બજેટમાં સોના(કિમતી ધાતુઓ) પરની ડ્‍યૂટીમાં ૯ ટકાનો ઘટાડો કરતાં સોનાના ભાવ ૭૬ હજારથી ૭૦-૭૧ હજાર પર આવી ગયા છે. આ ભાવ ઘટાડાને લઇને સોની બજારમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ આ ભાવ ઘટાડાને લઇને દુબઇ અને ભારતમાં સોના ભાવનો તફાવત પણ પાંચ-છ હજાર ઘટી ગયો છે. જેને પગલે સોનાની દાણચોરીમાં પણ ઘટોડો થયો હોવાનું સોની બજારના વેપારીઓ રિતેશ આદેસરા અને નિશાંત સોની કહી રહ્યા છે. તેમના જણાવ્‍યા મુજબ, ડ્‍યૂટી ઘટી તે પહેલા દુબઇથી જે દાણચોરીનું સોનું લાવવામાં આવતું હતુ. તેમાં એક તોલાએ ૧૧ હજારથી વધુનો ફાયદો થતો હતો. એટલે ૧૦૦ ગ્રામ પર ૧.૧૦ લાખ અને એક કિલો સોના પર સીધો ૧૧ લાખથી વધુનો ફાયદો થતો હતો. જે હવે ઘટીને ચાર લાખ પર આવી ગયો છે. માટે ઓછા નફાને લઇને દાણચોરી ઘટી છે. તેમ નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.

વેપારીના જણાવ્‍યા મુજબ, દાણચોરો પેડલરોને સોનું લઇને અમદાવાદ પર આવવાના એક ટ્રીપના ૨૦ હજાર દુબઇ જવા-આવવાનો ખર્ચ આપતા હતા. આ ખર્ચો કર્યા બાદ પણ એક કિલો સોનાની દાણચોરી પર તેમને લાખો રૂપિયાનો ફાયદો થતો હતો. તેથી દાણચોરી સતત વધી હતી. તેમાંય એરપોર્ટ પરના એક કસ્‍ટમ્‍સના અધિકારીએ તો પોતાની ડ્‍યૂટી દરમિયાન રૂ. ૧૪૦૦ કરોડનું દાણચોરીનું સોનું સલામત રીતે એરપોર્ટ પરથી બહાર કાઢયું હતું. જેની તપાસ ચાલી રહી છે. એરપોર્ટ સ્‍ટાફની પણ તેમાં સંડોવણી સામે આવી હતી.

સોના પરની ડ્‍યૂટી લઇને દુબઇ અને ભારતમાં સોનાના ભાવમાં ઘણો તફાવત હતો. જો ૧૦૦ ગ્રામ પણ દાણચોરીનું સોનું લાવવામાં આવે તો ૧.૧૦ લાખનો ફાયદો થતો હતો. જેને કારણે દુબઇ ફરવાનો ખર્ચ નીકળી જતો હતો. જ્‍યારે મોટા દાણચોરો એક કિલો સોનાની દાણચોરી કરે ત્‍યારે તેમને સીધો ૧૧ લાખનો ફાયદો થતો હતો.

દાણચોરોની એરપોર્ટ પરના અધિકારીઓ સાથે પાક્કી ગોઠવણ હોવાથી સોનું લઇને આવતા પેડલરને જે તે અધિકારી કે ફરજ પરનો સ્‍ટાફ સલામત રીતે બહાર કાઢી દેતો હતો. ત્‍યારબાદ આ દાણચોરીના સોનાની બાતમી પોલીસ અને અન્‍ય એજન્‍સીઓને મળવા લાગી અને પોલીસે એરપોર્ટ બહાર ઘણી વખત દાણચોરીના સોના સાથે પેડલરોને ઝડપી લીધા હતા.

દાણચોરીનું સોનું બજારમાં આવતું હતું, તે ઘણું સસ્‍તું હતું. જેને લઇને બજામાં બે ભાવ ચાલતા હતા. હવે જે વેપારીઓ સાચી રીતે ધંધો કરી રહ્યા હતા તેઓ દાણચોરીવાળું સોનું ખરીદીને વેચતા વેપારીઓ સામે ટકી શકે નહીં તેથી  ઘણી તકલીફ થતી હતી. હવે આ દૂષણ લગભગ અટકયું છે. -નિશાંત સોની.

(9:43 AM IST)