<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

નીચલી કોર્ટમાં લાખો પેન્‍ડિંગ કેસ સામે જજની સંખ્‍યા ઓછી

ક્‍યાંથી મળે જલદી ન્‍યાય : ગુજરાતમાં ૨૦૨૩ સુધીમાં નીચલી અદાલતોમાં ૧૫ લાખ કેસ પેન્‍ડિંગ હતા

નવી દિલ્‍હી,તા. ૩૧: ગુજરાતની નીચલી અદાલતોમાં વર્ષ ૨૦૨૩ના અંતે ૧૫ લાખથી વધુ કેસ પડતર હતા. બીજી તરફ રાજયની જિલ્લા સહિતની નીચલી અદાલતોમાં ફેબ્રુઆરી-૨૦૨૪ સુધી ૫૦૦થી વધુ જજની જગ્‍યા ખાલી હતી. નવાઇની વાત એ છે કે, જિલ્લા અને સબ ઓર્ડિનેટ કોર્ટમાં જજની ખાલી સંખ્‍યામાં ગુજરાત દેશમાં બીજા નંબરે હતું. આ સંજોગોમાં અરજદારને ઝડપી ન્‍યાય ક્‍યાંથી મળે તે સવાલ ઉભો થયો છે. તે ઉપરાંત હાઇકોર્ટમાં જુલાઇ-૨૦૨૪ની સ્‍થિતિએ ૨૩ જેટલી ન્‍યાયાધીશની જગ્‍યા ખાલી છે.

ગુજરાતમાં ૨૦૨૨માં નીચલી અદાલતોમાં કુલ ૧૬.૯૩ લાખ કેસ પડતર હતા. તેમાં આંશિક ઘટાડો થઇ ૨૦૨૩માં ૧૫.૬૭ લાખ જેટલા કેસ પેન્‍ડિંગ રહ્યા હતા. તેમાંથી અનેક કેસ વર્ષો જૂના છે. તેની સામે રાજયમાં નીચલી અદાલતોમાં મોટી સંખ્‍યામાં જજની સંખ્‍યા ખાલી છે. તેના કારણે એકતરફ કેસોનો ભરાવો થતો જાય છે અને નિકાલ થાય તેવી માળખાગત વ્‍યવસ્‍થા સમાંતર ગોઠવાઇ રહી નથી. ફેબ્રુઆરી-૨૦૨૪ની સત્તાવાર માહિતી મુજબ, દેશના વિવિધ રાજયમાં ગુજરાત ટોચના ત્રણ રાજયમાં છે. જેમાં જજની સંખ્‍યા મોટી સંખ્‍યામાં ખાલી રહી હતી. ઉત્તરપ્રદેશ સૌથી વધુ ૧૨૫૦ ખાલી જગ્‍યા સાથે પ્રથમ નંબરે તે પછી ગુજરાત અને ૪૬૭ ખાલી જગ્‍યા સાથે બિહાર ત્રીજા નંબરે છે. ગુજરાત કોર્ટના બિલ્‍ડિંગથી લઇ અન્‍ય સુવિધામાં મોખરે છે ત્‍યારે જજની ખાલી જગ્‍યાના કારણે કેસોનો ભરાવો લાંબા સમય સુધી રહે છે.

તાજેતરમાં રાજયસભામાં અપાયેલા આંકડા મુજબ, ગુજરાત હાઇકોર્ટમાં કુલ ૫૨ ન્‍યાયાધીશની જગ્‍યા છે તેમાંથી ૨૯ જગ્‍યા ભરેલી છે. તેની સામે ૨૩ જગ્‍યા ખાલી છે. જે લગભગ ૪૫ ટકા જેટલી થવા જાય છે.

વિવિધ અદાલતમાં જજની ખાલી જગ્‍યાના કારણે કેસોના નિકાલની પ્રક્રિયામાં વિલંબ થાય છે. તે સાથે જજ ઉપર કામનું બમણું ભારણ રહેતું હોય છે. અરજદારને ન્‍યાય મેળવવામાં ભારે વિલંબ પણ થતો હોય છે. તો નવા કેસની સંખ્‍યામાં પણ વધારો થતો જાય છે. તેથી ઉપલી અદાલતોથી લઇ નીચલી અદાલતો સુધીના કુલ લાખો પેન્‍ડિંગ કેસની સંખ્‍યા રહે છે.

(10:02 AM IST)