<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

હવે કલેકટરો, મ્‍યુનિસિપલ કમિશનરો બોર્ડ-નિગમોના અધિકારીઓની બદલી થશે

૧૮ અધિકારીઓની બદલી છતાં હજી પણ વધારાના હવાલા ચાલુ રહ્યા

નવી દિલ્‍હી,તા. ૨: ગુજરાતના વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરફારો કર્યા પછી હવે જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારી, શહેરોના મ્‍યુનિસિપલ કમિશનરો તેમજ બોર્ડ-નિગમના ઉચ્‍ચ અધિકારીઓની બદલીઓ તોળાઇ રહી છે, જેના ઓર્ડર ગમે તે સમયે થઇ શકે છે.

બુધવારે થયેલી બદલીઓમાં ઘણાં ઓફિસરો પ્રાઇમ પોસ્‍ટીંગમાં આવી ગયા છે. પૂર્વ આરોગ્‍ય અગ્રસચિવ જયંતિ રવિ ત્રણ વર્ષ ઓરોવિલ ફાઉન્‍ડેશન સેક્રેટરી તરીકે તામિલનાડુમાં ડેપ્‍યુટેશન પર ગયા હતા તેઓ પાછા આવી રહ્યા છે અને મહેસુલ વિભાગમાં પોસ્‍ટીંગ આપવામાં આવ્‍યું છે.

એવી જ રીતે સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશનથી પાછા આવેલ ડો.ટી.નટરાજને નાણા વિભાગમાં અગ્રસચિવ તરીકે નિયુકત કરવામાં આવ્‍યા છે. તેઓ જેપી ગુપ્‍તાની જગ્‍યા સંભાળશે.  એવી જ રીતે કેન્‍દ્રમાંથી ૧૫ વર્ષ પછી પાછા આવેલા રાજીવ ટોપનોની મુખ્‍ય નિયુકિત સ્‍ટેટ ટેકસના ચીફ કમિશનર પદે કરવામાં આવી છે. પરંતુ તેમને નાણા વિભાગના અગ્રસચિવનો વધારાનો હવાલો સોંપવામાં આવ્‍યો છે. જ્‍યારે ટી.નટરાજન ગુજરાત આવશે ત્‍યારે તેમનો આ વધારાનો હવાલો મુકત કરાશે.

સરકારે મુકેશ કુમાર પાસેથી ઉચ્‍ચ અને ટેકનિકલ શિક્ષણ લઇ લીધું છે. અને તેમણે પ્રાથમિક અને માધ્‍યમિક શિક્ષણમાં વિનોદ રાવની જગ્‍યાએ મુકવામાં આવ્‍યા છે. વિનોદ રાવ કે જેમણે લાંબા સમય સુધી આ જગ્‍યાએ ફરજ બજાવી હતી તેમણે શ્રમ, સ્‍કીલ ડેવલપમેન્‍ટ  અને રોજગાર વિભાગમાં મૂકવામાં આવ્‍યા છે.

જ્‍યારે અનુપમ આનંદ કે જેમને સરકારે ટ્રાન્‍સપોર્ટ કમિશનર પદે નિયુકત કર્યા છે તેમને એસટી નિગમના વાઇસ ચેરમેન અને એમડીનો વધારાનો ચાર્જ અપાયો છે. મોના ખંધાર પાસેથી રેવન્‍યુ ઇન્‍સ્‍પેક્‍શન કમિશનરનો વધારાનો હવાલો લઇને રાજેશ માંજુને કાયમી નિયુકિત આપવામાં આવી છે. રાજેશ માંજુ કે જેઓ રાજ્‍યપાલના અગ્રસચિવ હતા તેમને બદલીને એએમ શર્માને નિયુકત કરવામાં આવ્‍યા છે.

સરકારે બદલીના ૧૮ ઓર્ડર કર્યા છે છતાં છ થી વધુ અધિકારીઓને વધારાના હવાલા સોંપવામાં આવ્‍યા છે જે પૈકી મહત્‍વનો હવાલો ગૃહ વિભાગનો છે. લોકસભાની ચૂંટણી પહેલા મુખ્‍યમંત્રીના અધિક મુખ્‍યસચિવ પાસેથી ગૃહ વિભાગનો વધારાનો હવાલો લઇને કૃષિ વિભાગના અધિક મુખ્‍યસચિવ એકે રાકેશને સોંપવામાં આવ્‍યો હતો. પરંતુ તેઓ આજે નિવૃત થતાં આ હવાલો હવે મનોજકુમાર દાસને સોંપાયો છે કે, જેમની નિમણુંક મુખ્‍યમંત્રી કાર્યાલયમાં થઇ છે.

(9:31 AM IST)