<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

૮૦ પાલિકા, ૨ જિલ્લા, ૧૭ તાલુકા, ૪૭૬૫ ગ્રામ પંચાયતની ચૂંટણી ડિસેમ્‍બરમાં યોજાશે

રાજય ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી :સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં અનામત જાતિ અનામત એસસી ૭ ટકા એસટી ૧૪ ટકા ઓબીસી ૨૭ ટકા કેટલી સંસ્‍થાઓની ચૂંટણી યોજાશે ? સંસ્‍થા સંખ્‍યા નગરપાલિકા ૮૦ તાલુકા પંચાયત ૧૭ જિલ્લા પંચાયત ૦૨ ગ્રામ પંચાયતો ૪૭૬૫ વિભાજન બાદ અસ્‍તિત્‍વમાં આવેલી નવી ગ્રામ પંચાયતો ૫૩૯

અમદાવાદ,તા. ૨: રાજયની ૮૦ નગરપાલિકા, ખેડા-બનાસકાંઠા એમ ૨ જિલ્લા પંચાયતો, ૧૭ તાલુકા પંચાયતો અને ૫૩૯ જેટલી વિભાજન બાદ અસ્‍તિત્‍વમાં આવેલી નવી ગ્રામ પંચાયતો સહિત કુલ ૪૭૬૫ ગ્રામ પંચયાતોની છેલ્લા બે વર્ષથી બાકી રહેલી ચૂંટણીઓ ઉપરાંત અન્‍ય સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં સભ્‍યોના રાજીનામા કે મૃત્‍યુને કારણે ખાલી પડેલી બેઠકો પર આગામી નવેમ્‍બરના અંત કે ડિસેમ્‍બરની શરૂઆત સુધીમાં યોજાય તે દિશામાં રાજય ચૂંટણી પંચે તૈયારીઓ આરંભી છે. ગુજરાતમાં આ વખતે પ્રથમવાર ૨૭ ટકાની OBCની  અનામત  બેઠકો સાથે ચૂંટણી યોજાશે. આ ઉપરાંત SCની ૭ ટકા અને STની ૧૪ ટકા અનામત સાથે કુલ ૪૮ ટકા અનામત બેઠકો તથા બાકી રહેતી ૫૨ ટકા જનરલ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ સંદર્ભે રાજય ચૂંટણી પંચ ઓગષ્ટ માસના મધ્‍ય કે અંત સુધીમાં જાહેરનામું બહાર પાડશે ત્‍યારબાદ એક મહિનાની મુદતમાં લોકોના વાંધા-સૂચનો મગાવાશે. અર્થાત સપ્‍ટેમ્‍બર-૨૦૨૪ના અંત સુધીમાં આ પ્રક્રિયા આટોપીને ચૂંટણીની જાહેરાત કરાશે. એવી જ રીતે વિસાવદર અને વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠકો ઉપર પણ ચૂંટણી યોજાય તેવી સંભાવના છે. તેમ નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.

પ્રાપ્ત વિગતો મુજબ, હાલમાં રાજય ચૂંટણી કમિશનર તરીકે બીજી, સપ્‍ટેમ્‍બર-૨૦૧૯થી નિવૃત્ત આઈએએસ ઓફિસર સંજયપ્રસાદ સેવારત છે પરંતુ હવે બીજી સપ્‍ટેમ્‍બર-૨૦૨૪ના રોજ તેમના હોદ્દાની ૫ વર્ષની મુદત પૂરી થાય છે. રાજય ચૂંટણી કમિશનરની મુદત પૂરી થયા બાદ તેમના હોદ્દાની મુદતમાં કોઈ વધારો (એક્‍સટેન્‍શન) અપાતું નથી એટલે કે બીજી સપ્‍ટેમ્‍બર-૨૦૨૪ના રોજ હાલના રાજય ચૂંટણી પંચના કમિશનર નિવૃત્ત થશે. અહીં પ્રશ્ન એ ઉપસ્‍થિત થાય છે કે, જો ચૂંટણી કમિશનર જ નિવૃત્ત થઈ જશે તો ચૂંટણી યોજવાની જવાબદારી કોના શિરે હશે? તો રાજય સરકારે હવે સંજયપ્રસાદની નિવૃત્તિ અગાઉ કોઈ નવા રાજય ચૂંટણી કમિશનરની નિયુક્‍તિ કરવી પડશે. જોકે, ૩૧મી જુલાઈ-૨૦૨૪ના રોજ રાજય સરકારે જે ૧૭ આઈએએસ ઓફિસરોની બદલી કરી છે કે નવી જવાબદારીઓ સોંપી છે. તેમાં ખાસ કરીને આદિજાતિ વિકાસ વિભાગના અગ્રસચિવ તરીકે કાર્યરત ૧૯૯૮ બેંચના ઓફિસર ડો. એસ. મુરલી ક્રિષ્‍નાને રાજય ચૂંટણી પંચના કમિશનરના ખાસ ફરજ પરના અધિકારી તરીકે નિયુક્‍તિ આપી છે ત્‍યારે એમ મનાય છે કે, હાલના રાજય ચૂંટણી પંચના કમિશનરની નિવૃત્તિ બાદ સપ્‍ટેમ્‍બરમાં એસ. મુરલી ક્રિષ્‍નાને રાજય ચૂંટણી પંચના કમિશનર તરીકેની જવાબદારી સોંપાય તેવી શક્‍યતા નકારી શકાતી નથી.ગુજરાતમાં આ ચૂંટણીઓ ન થવાનું મુખ્‍ય કારણ એ હતું કે, અહીં સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં ઓબીસીને ૧૦ ટકા અનામત બેઠકો અપાતી હતી, પરંતુ આ અનવામત નક્કી કરવા માટે સરકારે હાઈકોર્ટના નિવૃત ન્‍યાયધીશ કે.એસ.ઝવેરીના અધ્‍યક્ષ સ્‍થાને સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં  OBC માટેની અનામત બેઠકો નક્કી કરવા માટે સમર્પિત આયોગની રચના કરી હતી. જેનો અહેવાલ રાજય સરકારને સુપરત કરી દીધો છે અને તેની ભલામણો મુજબ સરકારે OBCની અનામત બેઠકો ૧૦ ટકાથી વધારીને ૨૭ ટકા કરવાનો નિર્ણય પણ જાહેર કરી દીધો છે. આ પંચના અહેવાલના આધારે (૧) ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ (૨) ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ (૩) ગુજરાત પ્રોવિન્‍શિયલ મ્‍યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ-૧૯૯૪માં સુધારા કરીને સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં સામાજિક અને શૈક્ષણિક રીત પછાત વર્ગોને અનામત આપવા માટેના વિધેયકો પણ વિધાનસભામાં મંજૂર કરાવી લીધા છે અને તેને રાજયપાલે મંજૂરી પણ આપી દીધી છે. આમ છતાં જે તે રાજકીય કારણોસર આ સંસ્‍થાઓમાં ચૂંટણીઓ થઈ શકી નથી અને અહીં વહીવટદારોનું શાસન ચાલી રહ્યું છે. (૨૨.૩)

સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાઓમાં અનામત

જાતિ   અનામત

એસસી  ૭ ટકા

એસટી  ૧૪ ટકા

ઓબીસી         ૨૭ ટકા

કેટલી સંસ્‍થાઓની ચૂંટણી યોજાશે ?

સંસ્‍થા   સંખ્‍યા

નગરપાલિકા    ૮૦

તાલુકા પંચાયત ૧૭

જિલ્લા પંચાયત ૦૨

ગ્રામ પંચાયતો  ૪૭૬૫

વિભાજન બાદ અસ્‍તિત્‍વમાં આવેલી નવી ગ્રામ પંચાયતો  ૫૩૯

(9:35 AM IST)