News of Friday, 2nd August 2024
ગુપ્તચર વડાની નિવૃત્તિના છેલ્લા દિવસ સુધી રેગ્યુલર પોસ્ટીંગની વાત છોડો, કોઈને ચાર્જ પણ આપી ન શકાયો
આઇબી વડા રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ, રાજકોટનાં ગેમઝોનકાંડની તપાસના અધ્યક્ષ એવા સીઆઈડી ક્રાઈમનાં સુભાષ ત્રિવેદી નિવૃત્ત થતાં ભવ્ય વિદાયમાન.. હવે શું? હોટ ટોપિક : સુરતમાં તત્કાલીન સીપી અજય તોમર નિવૃત્ત થયેલ તે વખત જેવી જ પરિસ્થિતિનું ફરી એક વાર નિર્માણ થતાં આઇપીએસ અધિકારીઓમાં મજાકનો વિષય : શું અમદાવાદ ગાંધીનગરમાં સરકારના કોઈ વિશ્વાસુ સિનિયર આઇપીએસ નથી? જેમના પર વિશ્વાસ છે તેવો દૂરના શહેર કે રેન્જમાં છે? આવા પ્રશ્ન થવા પણ વ્યાજબી છે

રાજકોટ, તા.,૨ : યશસ્વી ફરજ બાદ વયમર્યાદાને કારણે તાજેતરમાં નિવૃત થયેલ રાજ્યના ગુપ્તચર વડા રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ અને એક યુગમાં જેના નામ માત્રથી અસામાજિક તત્વો ફફડી ઉઠ્તા તેવા સીઆઈડી ક્રાઇમનાં એડી.ડીજી લેવલના આઇપીએસ સુભાષ ત્રિવેદી વય મર્યાદાને કારણે નિવૃત થતાં સિનિયર જુનિયર અધિકારીઓ દ્વારા તેમની કાર દોરડાથી ખેંચી ભવ્યાતિભવ્ય વિદાયમાન આપવામાં આવેલ, આ વિદાયમાન સમયે મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય, ડીજીપી લેવલના મુખ્ય જેલ ઓથોરિટી ડો.કે.એલ.એન. રાવ, આઇપીએસ હસમુખ પટેલ, અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશનર અજય ચોધરી, લો એન્ડ ઓર્ડર ડીઆઇજી દીપક મેઘાણીથી માંડી એસપી લેવલના ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી અજિત રાજિયાન સહિતના અધિકારીઓ સામેલ થયેલ.
આઇબી વડાની નિવૃતિ બાદ રાજકીય દ્રષ્ટિએ જેનું ખૂબ મહત્વ છે તેવી આ પોસ્ટ માટે કોને પસંદ કરવા તે નિવૃત્તિના છેલ્લા દિવસો કે કલાકો બાકી હતા ત્યાં સુધી નિર્ણય ન લેવાતાં આશ્ચર્યજનક રીતે આ જગ્યાનો ચાર્જ પણ કોઇને આપી શકાયો નહિ, આવી પરિસ્થિત તત્કાલીન સુરત સીપી અજય તોમર નિવૃત્ત થયા તે સમયે સર્જાયેલ, એ સમયે પણ રાજ્યના મુખ્ય પોલીસ વડા દ્વારા ટેલિફોનીક સૂચના આપી સિનિયર આઇપીએસ જોઇન્ટ સીપી વાંબાગ જમીરને ચાર્જ અપાયેલ, એ ચાર્જ લાંબો સમય રહેલ. એ પરિસ્થિતિ જો કે અલગ હતી, એ સમયે સુરત સીપી બનવા માટે ઘણા સિનિયર આઇપીએસ જાહેર કે ખાનગી રીતે તમામ પ્રકારે જોર લગાવતા હતા. પણ આઇબી વડા માટે કોઈ સ્પર્ધા નથી પણ અહી વિશ્વાસુની વાત આવે છે.
આઇપીએસ વર્તુળો ખાનગીમાં મજાકમાં એવું બોલે છે કે અમદાવાદ ગાંધીનગરમાં સરકારનું કોઈ વિશ્વાસુ નથી, જે એક બે છે તે પ્રમાણમાં જુનિયર છે, વિશ્વાસુ છે તે બધા અલગ અલગ શહેરમાં કે રેન્જમાં મહત્વના સ્થાને અર્થાત્ દૂર છે, જેથી ચાર્જ આપી ન શકાય તેવી પરિસ્થિતિ છે, અત્યાર સુધી મહત્વના નિર્ણયો કે.કે.લેતા હવે તે પોંડિચેરી એલજી બનતા આ બાબત પણ થોડી મુશ્કેલીરૂપ ગાંધીનગર માટે બની છે.હવે ફરી રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ, સુભાસ ત્રિવેદી અંગે વાત કરીએ તો નિવૃત્તિ પછી રક્ષા યુનિ. જેવા સ્થળે બન્નેની ઈચ્છા હોય તો સ્થાન આપવામાં આવે, રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ તો અમિતભાઇનાં અત્યંત વિશ્વાસુ છે, તેમને માનવ અધિકાર પંચના ૫ વર્ષ માટે અધ્યક્ષ બનાવવા ઓફર આપવામાં આવે તેવી શકયતા નકારી શકાય નહિ, રાજકોટ ગેમઝોનકાંડની તપાસ પૂર્ણ ન થયેલ હોય તેમને અધ્યક્ષ પદે ચાલુ રખાશે કે કેમ? એ પ્રશ્ન પણ હોટ ટોપિક છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
