News of Friday, 2nd August 2024
ધોરણ-4માં અભ્યાસ કરતાં બાળકનો ગળે ફાંસો ખાઈ આપઘાત
માતા રસોઈ કરતી હતી ત્યારે બીજા રૂમમાં જઈને શર્ટના છેડે લટકી ગયો: દીકરાના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ

સુરત : શહેરના પાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતાં 9 વર્ષના બાળકે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. હાલ તો દીકરાના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ બિહારના ગયા જિલ્લાના વતની અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરા સોસાયટીમાં રહેતા અવધેશભાઈ ગુપ્તા લુમ્સના કારખાનામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જે પૈકી 9 વર્ષનો નાનો પુત્ર યશ ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો.
ગત બુધવારે સાંજે જ્યારે અવધેશભાઈના પત્ની રસોઈ બનાવી રહ્યા હતા, ત્યારે યશે બીજા રૂમમાં જઈને દરવાજો અંદરથી બંધ કરીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. થોડીવાર બાદ યશના મોટાભાઈએ દરવાજો ખખડાવ્યો હતો. જો કે યશે દરવાજો ના ખોલતા કંઈ અજુગતુ થયાની શંકાએ દરવાજો તોડીને જોતા યશ શર્ટના છેડે લટકી રહ્યો હતો. આ દ્રશ્ય જોઈને પરિવારના સૌ સ્તબ્ધ થઈ ગયા હતા.
આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પોલીસે યશના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યશ અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો અને ભણવામાં પણ હોશિયાર હતો. ઘરમાં કોઈ ઝઘડો થયો હશે અથવા બન્ને ભાઈઓ વચ્ચે કોઈ બાબતે તકરાર થઈ હશે. જેના કારણે યશ પોતાના ઘરનો દરવાજો બંધ કરીને દોરીના છેડે પોતાનો શર્ટ બાંધીને લટકી જાય છે.
(7:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
