News of Friday, 2nd August 2024
છોટા ઉદેપુરમાં વરસાદી માહોલ:બોડેલીમાં 4 કલાકમાં પોણા 2, પાવી-જેતપુરમાં સવા ઈંચ ધોધમાર ખાબક્યો
પાવી-જેતપુરમાં સવા ઈંચ તેમજ છોટા ઉદેપુર અને સંખેડા તાલુકામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આગામી 5 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્યના 132 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે છેલ્લા 4 કલાકમાં છોટા ઉદેપુર જિલ્લામાં મેઘ મહેર વરસી રહી છે.
બપોરે 2 વાગ્યા બાદ છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં સૌથી વધુ પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય પાવી-જેતપુરમાં સવા ઈંચ તેમજ છોટા ઉદેપુર અને સંખેડા તાલુકામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાનો નસવાડી અને ક્વાંટ તાલુકો કોરો રહ્યો છે.
આખા દિવસ દરમિયાન રાજ્યના 5 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ 44 મિ.મી વરસાદ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં નોંધાયો છે. આ સિવાય અરવલ્લીના મોડાસામાં 29 મિ.મી., ડાંગના આહવામાં 23 મિ.મી. તેમજ તાપીના સોનગઢમાં 20 મિ.મી વરસાદ વરસ્યો છે.
સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં વરસાદના આંકડા જોઈએ તો, આ બે કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 41 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી અને પાવી જેતપુરમાં 25-25 મિ.મી. વરસાદ ખાબક્યો છે. જ્યારે છોટા ઉદેપુર તાલુકામાં 20 મિ.મી, સંખેડામાં 18 મિ.મી અને પંચમહાલના જાંબુઘોડામાં 12 મિ.મી વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે 3 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, જૂનાગઢ, ગીર સોમનાથ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, અરવલ્લી અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
