<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th August 2024

ઓગસ્‍ટના અંત સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર મેટ્રો ટ્રેન સેવાથી જોડાઇ જશે

૨૨.૮૪ કિમી મોટેરાથી મહાત્‍મા મંદિર કોરિડોર મહિનાના અંત સુધીમાં શરૂ થશે જ્‍યારે ૫.૪૨ કિમી મહાત્‍મા મંદિર - GNLU - GIFT સિટી કોરિડોર વર્ષના અંત સુધીમાં શરૂ થશે

નવી દિલ્‍હી તા. ૫ : મોટેરાથી મહાત્‍મા મંદિરને જોડતી મેટ્રો રેલનો બીજો તબક્કો આ મહિનાના અંત સુધીમાં કાર્યરત થવાની ધારણા છે. કમિશનર ઓફ મેટ્રો રેલ સેફટીએ આંશિક રૂટનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે. જો કે, મહાત્‍મા મંદિરથી ગિફટ સિટી રૂટ પર કામ ચાલુ છે અને તે વર્ષના અંત પહેલા કાર્યરત થશે નહીં કારણ કે રૂટ સાથેના બે સ્‍ટેશનનું કામ અધૂરૂં છે.

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને CMRS દ્વારા કરવામાં આવેલા અવલોકનોનું પાલન કર્યું છે અને જરૂરી કામ હાથ ધર્યું છે. અનુપાલન અહેવાલ ટૂંક સમયમાં સબમિટ કરવામાં આવશે અને સીએમઆરએસની અંતિમ મંજૂરી પછી, રૂટ કાર્યરત થશે, એમ મેટ્રોના વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું. મોટેરાને ગાંધીનગર સેક્‍ટર I (ઇન્‍દ્રોડા સર્કલ) સાથે જોડતા તબક્કા II માટે ટ્રાયલ રન ફેબ્રુઆરીમાં પૂર્ણ કરવામાં આવ્‍યા હતા. નર્મદા કેનાલ પર ૩૦૦ મીટર લાંબો કેબલ બ્રિજ પણ નાખવામાં આવ્‍યો છે.

બીજા તબક્કાના કોરિડોરની કુલ લંબાઈ ૨૮.૨૬ કિલોમીટર છે, જેમાં મોટેરાથી મહાત્‍મા મંદિર કોરિડોરના ૨૨.૮૪ કિલોમીટર અને મહાત્‍મા મંદિર-GNLU- GIFT સિટી કોરિડોરના ૫.૪૨ કિલોમીટરનો સમાવેશ થાય છે. મોટેરાથી મહાત્‍મા મંદિર સુધી ૨૦ અને GNLU-ગિફટ સિટીમાં ૨ સ્‍ટેશન છે.

બીજા તબક્કાના ૨૨ સ્‍ટેશનોમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, ઓલ્‍ડ કોબા, કોબા ગામ, જીએનએલયુ, પીડીપીયુ, ગિફટ સિટી, રાયસન, રાંદેસણ, ધોલા કુવા સર્કલ, ઈન્‍ફોસિટી, સેક્‍ટર ૧૦ એ. , સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્‍ટર ૧૬, સેક્‍ટર ૨૪, અને મહાત્‍મા મંદિર.

(12:15 PM IST)