<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

રાજકોટ અગ્નિકાંડમાં મ્‍યુનિસિપલ કમિશનરની ભૂમિકા હાઇકોર્ટ ચકાસશે

ફેક્‍ટ ફાઇન્‍ડિંગ કમિટીનો રિપોર્ટ કોર્ટ મિત્રને આપવા આદેશ

અમદાવાદ,તા.૬: રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં રાજકોટ મ્‍યુનિસિપલ કોર્પોરેશનના મ્‍યુનિસિપલ કમિશનરની ભૂમિકાની ચકાસણી હાઇકોર્ટ દ્વારા કરાશે. હાઇકોર્ટના ચીફ જસ્‍ટિસ સુનિતા અગ્રવાલની ખંડપીઠે એક આદેશ કર્યો છે કે આ કેસની આગામી મુદતે અમે રાજકોટ મ્‍યુનિ. કમિશનરની ભૂમિકા અંગે કોર્ટ મિત્રને સાંભળવા માંગીએ છીએ. તે ઉપરાંત TRP ગેમ ઝોનના પીડિતો મામલે પણ એડવોકેટને સાંભળવામાં આવશે. સાથે જ હાઇકોર્ટે ફેક્‍ટ ફાઇન્‍ડિંગ કમિટીનો રિપોર્ટ કોર્ટ મિત્રને આપવાનો આદેશ કરી કેસની વધુ સુનાવણી ૨૩મી ઓગસ્‍ટના રોજ મુકરર કરી છે.

સ્‍કૂલ મામલે : હાઇકોર્ટે રાજયના શિક્ષણ વિભાગના સચિવને આદેશ કર્યો છે કે રાજયની શાળામાં ફાયર સેફટી અને તેના અમલ તથા ફાયર સેફટીના સાધનોના ઇન્‍સ્‍ટોલેશન અંગેની પ્રગતિનો અહેવાલ આપે. તે ઉપરાંત મોક ડ્રિલ્‍સ, શિક્ષકોને સલામતી માટેની ટ્રેનિંગ અને નોન ટીચિંગ સ્‍ટાફને ટ્રેનિંગ અંગેની વિગતો પણ જણાવે. આ મામલે તેઓ સુપરવિઝન કરી અંગત સ્‍તરે સોગંદનામું કોર્ટ સમક્ષ કરે.

ફાયર વિભાગ મુદ્દેઃ તમામ કોર્પોરેશનના આઠ ફાયર રિજનનું મૂલ્‍યાંકન કરાય. ફાયર વિભાગમાં માનવ બળ અને અન્‍ય માળખાકીય સુવિધાઓ અંગે ટેબ્‍યુલર ફોર્મમાં બધી માહિતી રજૂ કરવામાં આવે. ફાયર વિભાગના સોગંદનામા પ્રમાણે અમદાવાદ, વડોદરા, જામનગર, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર કોર્પોરેશનમાં મોટાભાગે ફાયર અધિકારીઓની જગ્‍યા ખાલી છે. મહત્‍વના હોદ્દા જેમ કે ચીફ ફાયર ઓફિસર્સ, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડેપ્‍યુટી ચીફ ફાયર ઓફિસર, ડિવીઝનલ ચીફ ફાયર ઓફિસર ખાલી હોવાની બાબત આંખે ઉડીને વળગે છે. આ તમામ પોસ્‍ટ ઝડપથી ભરવાની પ્રક્રિયા કરવામાં આવે.

મહાનગરપાલિકાઓ મામલેઃ રાજયની મહાનગરપાલિકાઓ મુદ્દે હાઇકોર્ટે આદેશ કર્યો છે કે તમામ મનપાના કમિશનરોને આદેશ કરાયો છે અને તેમની જવાબદારી અંગે કોર્ટે કહેલી બાબતો જણાવવામાં આવી છે. કમિશનરોને આપેલા સૂચનોનો ખરા અર્થમાં અમલ થાય એ સુનિヘત કરવામાં આવશે. કમિશનરોની રિવ્‍યૂ મીટિંગ સમયાંતરે થશે. જેથી કરીને કોર્પોરેશનની કામગીરી સુપેરે ચાલે અને કોઇ અઘટિત દુર્ઘટના ભવિષ્‍યમાં ન ઘટે. ઉક્‍ત તમામ નિર્દેશોને સોગંદનામા મારફતે આગામી સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્‍યો છે.

(9:47 AM IST)