<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

વનવાસીઓના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર પ્રતિબદ્ધ

વન અધિકાર અધિનિયમઃ ૧ લાખથી વધુ વનબંધુઓ ૫.૫ લાખ હેક્‍ટરથી વધુ જમીનના માલિક બન્‍યા

ગાંધીનગર તા.૬: ગુજરાતના આદિજાતિ વિસ્‍તારમાં રહેતા વનબંધુઓને તેમની જમીનનો હક અપાવવા માટે મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્‍વમાં રાજય સરકાર સક્રિય રીતે કામગીરી કરી રહી છે. તેના માટે રાજય સરકાર દ્વારા વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ કાયદો બનાવવામાં આવ્‍યો છે, જેમાં વનવાસીઓના અધિકારો નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અધિનિયમ અંતર્ગત રાજય સરકારે વ્‍યક્‍તિગત તેમજ સામુદાયિક દાવાઓમાં કુલ ૧,૦૨,૬૧૫ દાવાઓ મંજૂર કર્યા છે, જેમાં કુલ ૫,૬૯,૩૩૨ હેક્‍ટર જમીન વનબંધુઓ માટે માન્‍ય કરવામાં આવી છે.

વર્ષ ૨૦૦૮માં અધિનિયમના નિયમોની અમલવારી કર્યા બાદ અત્‍યાર સુધી ૧,૮૨,૮૬૯ વ્‍યક્‍તિગત દાવા કરવામાં આવ્‍યા હતા, જેમાંથી ૯૭,૮૨૪ દાવા મંજૂર કરવામાં આવ્‍યા છે અને લાભાર્થીઓને ૬૭,૨૪૬ હેક્‍ટર જમીન વિસ્‍તાર મંજૂર કરવામાં આવ્‍યો છે. તો ૭૧૮૭ સામુદાયિક દાવાઓમાંથીᅠ ૪૭૯૧ દાવા મંજૂર કરીને ૫,૦૨,૦૮૬ હેક્‍ટર જમીન માન્‍ય કરવામાં આવી છે. આ અધિનિયમ અંતર્ગત કરવામાં આવેલી જોગવાઇ અનુસાર વ્‍યક્‍તિગત દાવામાં ૪ હેક્‍ટર સુધી અને સામુદાયિક અધિકાર હેઠળ વન્‍ય પેદાશો એકત્રિત કરવા, માછલા કે જળાશયોની અન્‍ય પેદાશ લેવા માટે તેમજ ચરિયાણ વગેરે હેતુ માટે વન જમીન તથા માળખાકીય સુવિધાઓ માટે પ્રતિ સુવિધા ૧ હેક્‍ટરની જમીનની ફાળવણી કરવામાં આવે છે.ᅠ

વન અધિકાર અધિનિયમ અંતર્ગત ફાળવવામાં આવેલી જમીનનો વૈજ્ઞાનિક ઢબે વિકાસ થાય તેના માટે વર્ષ ૨૦૨૩માં મુખ્‍યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્‍કર્ષ યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓનેᅠ કૃષિ વૈવિધ્‍યકરણ, કૃષિ યાંત્રિકીકરણ, તેમજ અન્‍ય આજીવિકાના ઉપાયો જેવા કે પશુ સહાયનો લાભ, બકરા ઉછેર માટે સહાય વિગરેનો લાભ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪માં  રૂા.૩૯૮૨ લાખની ફાળવણી કરવામાં આવી છે અને અત્‍યાર સુધી ૧૬,૯૮૦ લાભાર્થીઓને તેનો લાભ આપવામાં આવ્‍યો છે.

(4:20 PM IST)