તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
કેવડીયા હાટમાં પતરવેલીના પાના વેચી ઘરે જતી 2 મહિલાઓ પર માનવભક્ષી દીપડાનો હુમલો, 1 મહિલાનું મોત
દીપડાના હુમલામાં મોતને ભેટેલી મહિલાના પરિવારને તત્કાળ ધારાસભ્ય ડો.દેશમુખે 5 લાખનો ચેક આપ્યો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં માનવભક્ષી દીપડાઓનો ત્રાસ દિવસે દિવસે વધતો જાય છે.લોકો દીપડાઓના ભયને લીધે ખેતરે અને મજુરીએ જતાં ડરી રહ્યા છે તેવામાં ગરૂડેશ્વરના માંડણઘોળા ચીનકુવા ફળિયાની 2 મહિલાઓ પર માનવભક્ષી દીપડાનો હુમલો કર્યો હતો જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું.જ્યાં સુધી તંત્ર માનવભક્ષી દિપડાને નહિ પકડે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજએ ઇન્કાર કર્યો હતો. જો કે પોલીસે સમજાવતા અંતે પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો હતો.
ગરૂડેશ્વરના માંડણઘોળા ચીનકુવા ફળિયાની 2 મહિલાઓ કેવડીયા હાટમાં પતરવેલીના પાના વેચી પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યારે અધવચ્ચે જંગલ વિસ્તારમાં એ મહીલાઓ પર માનવભક્ષી દીપડાએ હુમલો કર્યો હતો.જો કે રમીલાબેન મગનભાઈ વસાવા નામની મહિલા દીપડાથી પોતાને છોડાવી ત્યાંથી ભાગી છુટી હતી જ્યારે 37 વર્ષીય સૂર્મિલાબેન અમરસિંહ વસાવાને દીપડો લગભગ 800 મીટર અંદર જંગલની ઝાડીઓમાં લઈ જઈ એને ફાડી ખાધી હતી, આ દરમિયાન એનું મૃત્યુ થયું હતું. આ ઘટનાને લઈ ગરુડેશ્વર પોલીસ તથા વન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનાને લઇ ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી.મહિલાના મૃતદેહને ગરૂડેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે લવાઈ હતી.
દરમીયાન જ્યાં સુધી વન વિભાગ એવું નહી જણાવે કે અમારા વિસ્તારમાં આવા માનવભક્ષી દીપડાઓ કેટલા છે અને એ તમામ દીપડાઓને પાંજરે નહિ પુરે ત્યાં સુધી મહિલાનો મૃતદેહ સ્વીકારવા મહિલાના પરિવારજનો અને ગ્રામજનોએ ઇન્કાર કર્યો હતો.પરિવારજનોએ જણાવ્યું હતું કે આ દુઃખદ ઘટના માટે જવાબદાર નર્મદા જિલ્લાનો વન વિભાગ છે.નર્મદા જીલ્લામા છેલ્લાં એક વર્ષથી દિપડા / ભૂંડની ફરિયાદો કરવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી.જો કે પોલીસે સમજાવતા અંતે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
દીપડાના હુમલામાં મોતને ભેટેલી મહિલાના પરિવારને તત્કાળ ધારાસભ્ય ડો.દેશમુખે 5 લાખનો ચેક આપ્યો
ચીનકુવા ગામે દીપડાએ હુમલો કરી સૂર્મિલાબેન અમરસિંહ વસાવાનું મૃત્યુ નીપજાતા આ બનાવની જાણ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખને થતા તેઓ તાત્કાલિક જંગલખાતાના અધિકારીઓને સૂચના આપી ટીમ રવાના કરી હતી જેને પગલે તારીખ 6/8/24 ના મૃતક ના પતિ ભાદરભાઈ રતનભાઈ વસાવાને સરકાર તરફથી રૂપિયા 5 લાખનો ચેક અર્પણ કરી પરિવારને સાંત્વના આપી સાથે દીપડાના હુમલા માં ઘાયલ થયેલ અન્ય બેન ની ગરુડેશ્વર સબ ડીસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે મુલાકાત કરી હતી.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
