<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th August 2024

સાગબારાના મામલતદારે જે અનાજ અને ગોડાઉન સીલ કર્યું છે તે ભાજપના નેતાનું છે : ચૈતર વસાવા

ભાજપ સાંસદ મનસુખ વસાવાએ 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવા પર ખોટા આક્ષેપો કર્યા ચૈતર વસાવાએ વળતો જવાબ આપ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઇ વસાવાએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ રાજપીપળા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને મારા પર કેટલાક આક્ષેપો કર્યા છે. જેની હકીકત એવી છે કે, ભરૂચના એક પત્રકાર ગૌતમ ડોડિયા દ્વારા સાગબારાના મામલતદારને ફોન કરીને ધ્યાન દોરવામાં આવ્યું કે, સેલંબા ખાતે એક ગોડાઉનમાં અનાજ સગેવગે કરવાની તજવીજ ચાલી રહી છે. ત્યારબાદ મામલતદાર પોલીસ સહિતની પૂરી ટીમ લઈને ત્યાં પહોંચે છે અને ત્યાં તાત્કાલિક ધોરણે ટેમ્પો અને ગોડાઉનને સીલ કરવામાં આવે છે અને અનાજ કબજે લેવામાં આવે છે. આ અનાજ ભાજપના કોન્ટ્રાક્ટર મનીષ શાહનું છે. કુલ છ જિલ્લાઓમાં તેમની પાસે કોન્ટ્રાક્ટ છે અને ગાંધીનગરમાં મોટા નેતાઓ સાથે સંબંધ હોવાથી તેમને આ કોન્ટ્રાક્ટ મળ્યા છે. જે ગોડાઉન પકડાયું છે તે સેલંબાના સચિન શાહ નામના વ્યક્તિનું ગોડાઉન છે અને આ બંને લોકોની અનાજ કૌભાંડમાં વર્ષોની મિલીભગત છે.


આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ શૈલેન્દ્ર બહાદુરસિંહને ફક્ત એટલા માટે આરોપી બનાવવામાં આવ્યા કારણ કે આ ગોડાઉન એક મહિના માટે એમને ભાડે આપવામાં આવ્યું હતું. પરંતુ આનો કોઈ કરાર કે કોઈ પુરાવા નથી. બીજા આરોપી બનાવવામાં આવ્યા છે કોંગ્રેસના આનંદ વસાવાને, એમનો વાંક કેટલો છે કે એમને મનીષ શાહનો ફોન આવે છે કે એમને ટેમ્પો જોઈએ છે. માટે આનંદભાઈ વસાવાને કોઈ ખ્યાલ ન હતો કે આ ટેમ્પો શેના માટે જોઈએ છે અને આનંદભાઈ વસાવા એ ટેમ્પો મોકલી દીધો. દર વખતે જ્યારે કોઈ કૌભાંડ બહાર આવે ત્યારે પોતાના નેતાઓનો બચાવ કરવા માટે બહાર આવી જતા સાંસદ મનસુખભાઈ વસાવા અને ભાજપની whatsapp યુનિવર્સિટીના લોકો પોતાના લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ સમગ્ર કૌભાંડ ભાજપના મહામંત્રી મનીષ શાહ અને વેપારી સચિન શાહનું છે તેમ છતાં પણ આમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓના નામ નાખવામાં આવ્યા. 25 જુલાઈના રોજ આ ઘટના ઘટી હતી અને તે વખતે પણ મારું સ્ટેટમેન્ટ એવું જ હતું કે જે પણ લોકો આમાં ગુનેગાર છે તેને સજા થવી જોઈએ. અમે કોઈના બચાવ માટે ક્યારેય પણ ભલામણ કરી નથી. પરંતુ મનસુખભાઈએ સમગ્ર હકીકત જાણવી જોઈએ અને ત્યારબાદ જ કોઈ સ્ટેટમેન્ટ આપવું જોઈએ.

મનસુખભાઈ વસાવા એ બીજી એક વાત કરી કે, ચૈતરભાઈ વસાવા રાત પાડીની ખાણો ખનીજો પર રેડ પાડે છે. 21 જૂનના રોજ મેં પોતે મનસુખભાઈ વસાવાને એક યાદી મોકલી છે અને જણાવ્યું છે કે આટલી 73AAની જમીન ઉપર ગેરકાયદેસર ખાણો રેતીની લીઝો અને પ્લાન્ટો વગેરે જેવી કામગીરી ચાલે છે અને આપણે સાથે મળીને તેની તપાસમાં જવાનું છે પરંતુ તેમણે એક પણ દિવસ મને આ કામ માટે સમય આપ્યો નથી.

મનસુખભાઈએ ત્રીજી એક વાત કરી કે ચૈતરભાઇ વસાવાનું ઘર જંગલ ખાતાની જમીન પર બનેલું છે. હું મનસુખભાઈને વિનંતી કરીશ કે તમે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓને પૂછી લો કે શું મારું ઘર ફોરેસ્ટની જમીન પર બનેલું છે? ત્યારબાદ તમે જો કોઈ સ્ટેટમેન્ટ આપશો તો યોગ્ય રહેશે. કેવડિયામાં આટલી બધી જમીનો છીનવાઈ ગઈ, નર્મદાના અને ઉકાઈ ડેમના વિસ્થાપિતો આજે પણ ભટકી રહ્યા છે, આ વિસ્તારની શાળાઓમાં ઓરડાઓ નથી, ઉદ્યોગો નથી, દવાખાનાઓમાં ડોક્ટરો નથી, સાધનો નથી પરંતુ મનસુખભાઈ વસાવા ક્યારે પણ આ બધી બાબતે બોલશે નહીં. પરંતુ ચૈતરભાઈ વસાવા શું કરે છે તેમાં મનસુખભાઈ વસાવાને ખુબ જ રસ છે. હું મનસુખભાઈ વસાવાને કહેવા માંગીશ કે હાલમાં નર્મદામાં 20 કરોડના ખર્ચે આલીશાન કમલમ બનાવવામાં આવ્યું છે તે બનાવવા માટે ક્યાંથી પૈસા લાવવામાં આવ્યા તેનો પણ ખુલાસો મનસુખભાઈ વસાવા કરે તેવા આક્ષેપો ચૈતર વસાવા એ કર્યા છે. ત્યારે આમાં કોણ સાચું એ તો સમય જ બતાવશે

(11:35 PM IST)