News of Wednesday, 7th August 2024
જિલ્લાભરમાં ઘરો - દૂકાનો - મંડળીઓ - સ્કૂલ - કોલેજો ઉપર તિરંગાની સાઇઝ - કાપડ ફલેગ કોડ મુજબ રાખવા કલેકટરના આદેશો
શનિવારે ભૂપેન્દ્રભાઇ રાજકોટમાં : ગુજરાતભરમાં ફરનારી હર ઘર તિરંગા યાત્રાનો રાજકોટથી પ્રારંભ કરાવશે : તૈયારીઓ શરૂ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા પણ હાજર રહેશે : ગૃહમંત્રી હર્ષ સંઘવીની કલેકટર સાથે વીસી યોજાઇ : હર ઘર તિરંગા યાત્રા ૧૪મી સુધી યોજાશે : રાજકોટમાં ૨ કિમી લાંબી યાત્રાનું આયોજન
રાજકોટ તા. ૭ : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા. ૧૦ ઓગસ્ટના રોજ રાજકોટ ખાતેથી ‘તિરંગાની આન, બાન અને શાન' થીમ સાથે હર ઘર તિરંગા યાત્રા પ્રારંભ કરાવશે. કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને ‘હર ઘર તિરંગા' યાત્રાના આયોજન સંદર્ભે જિલ્લા સેવા સદન સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ખાસ ઉપસ્થિત રહેશે. આજે આ બાબતે ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીની કલેકટર સાથે વીસી યોજાઇ હતી.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે યોજાનાર હર ઘર તિરંગા યાત્રામા દેશવાસીઓ દેશભક્તિના રંગે રંગાશે. ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજકોટ ખાતેથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે તેમ જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું.
આ તકે જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં પણ આગામી તા. ૧૦ ઓગસ્ટથી તા. ૧૪ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા યોજાશે. જેથી લોકોમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવના વિકસે તે પ્રકારે માહોલ બનાવવા આયોજન કરવું, જુદી જુદી કચેરીઓએ ટેબ્લોનું નિદર્શન કરવું, ગ્રામ્ય, તાલુકા તથા શહેરી વિસ્તારમાં વોર્ડ મુજબ ટીમવર્ક સાથે કામગીરી કરી વધુને વધુ લોકો આ પર્વમાં જોડાઈ તે માટે કાર્યરત રહેવા અધિકારીઓને કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.
જિલ્લામાં ‘હર ઘર તિરંગા' યાત્રા અંતર્ગત લોકો પોતાના ઘરે તિરંગો લહેરાવે, જીઆઇડીસી વિસ્તાર, સહકારી મંડળીઓ, તમામ દુકાન ધારકો, વેપારીઓ, સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટી, વિવિધ સંસ્થાઓ સહિત સમગ્ર જિલ્લાવાસીઓ હર ઘર તિરંગા યાત્રામાં જોડાઈને પોતાના ઘર તથા કામના સ્થળે તિરંગો લહેરાવે તેવી અપીલ પણ કલેક્ટરશ્રીએ કરી હતી. તિરંગાની સાઈઝ તથા કાપડ ફલેગકોડ મુજબ હોવું જોઈએ તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું.
(3:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
