<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th August 2024

૩ વર્ષની ગુજરાતી દિકરી અરીહાને જર્મનીથી પાછી લાવવા શકિતસિંહ ગોહિલની સંસદમાં ધારદાર રજૂઆત

સરકાર લાલ આંખ કરે, છપ્‍પનની છાતી બતાવે : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ - સાંસદ ઉગ્ર મિજાજમાં

નવી દિલ્‍હી : જમર્નીની ચાઈલ્‍ડ સર્વિસ દ્વારા ફસાયેલી ત્રણ વર્ષની ગુજરાતી જૈન દીકરી અરિહા શાહને ભારત લાવવા માટે લાંબા સમયથી અભિયાન ચાલી રહ્યું છે. આજે કોંગ્રેસ નેતા શક્‍તિસિંહે સંસદમાં બાળકી અરિહાનો મામલો ઉઠાવ્‍યો હતો. તેમણે બાળકીને વહેલી તકે ભારત લાવવા માટે અપીલ કરી હતી. આ તરફ શિવસેનાના નેતા નરેશ ગણપત મ્‍હસ્‍કેએ પણ જર્મનીની કસ્‍ટડીમાં રહેલા બાળકી અરિહાને ભારત લાવવા જણાવ્‍યું હતું.

કોંગ્રેસ નેતા શક્‍તિસિંહ ગોહિલે સંસદમાં આ મામલે મોદી સરકાર પર નિશાન સાધતા પ્રહાર કર્યા હતા. શક્‍તિસિહે કહ્યું, આપણી પાસે ૫૬ ઈંચની છાતીની વાતો થાય છે, અમે લાલ આંખ કરીએ છીએ, તો આ ગુજરાતની દીકરીને જર્મનીની કસ્‍ટડીમાંથી છોડાવવા માટે આ ૫૬ ઈંચની છાતી બતાવવી જાઈએ. મોદી સરકારે લાલ આંખ કરીને આ દીકરીને જર્મનીની કસ્‍ટડીમાંથી છોડાવીને ભારત લાવવી જોઈએ.

જૈન અગ્રણી યતીનભાઈ શાહે જણાવ્‍યુ હતું કે છેલ્લા ૩ વર્ષથી ભારત આવવા માટે તડપી રહેલી ભારતની દીકરીને ખોટી રીતે જર્મનીએ પોતાની કસ્‍ટડીમાં રાખી છે. ભારત સરકાર ગુજરાતની આ દીકરીને ભારત લાવે. તેમણે ભારત સરકાર પાસે અપીલ કરતા ગુજરાતની દીકરીને ભારત લાવવા માટે મદદ કરવા જણાવ્‍યું છે.

શિવસેનાના નેતા નરેશ ગણપતે વિદેશ મંત્રીને જણાવ્‍યું છે કે આ મામલાને ગંભીરતાથી ધ્‍યાનમાં લેવામાં આવે. અને જર્મનીની સરકાર સાથે ચર્ચા કરીને અરિહા શાહને વહેલી તકે ભારત લાવવામાં આવે. બાળકીના માતા પિતાએ જર્મનીની સરકારથી લઈને ભારત સરકાર પાસે મદદ માટે પોકાર કરી રહ્યા છે અને અપીલ કરી છે કે અરિહાને ગુજરાત ચાઈલ્‍ડ વેલફેર એજન્‍સીની કસ્‍ટડીમાં ભારત લાવવામાં આવે. અમદાવાદ ચાઈલ્‍ડ વેલફેર કમિટીએ અરિહાના ઉછેર માટે એક ફોસ્‍ટર પરિવાર પણ શોધી લીધો છે. બાળકી ૩૬ મહીનાથી પણ વધુ સમયથી જર્મનીની કસ્‍ટડીમાં ફોસ્‍ટર કેરમાં રહે છે.

અરિહાના કેસે જર્મનીની ચાઇલ્‍ડ વેલ્‍ફેર સંસ્‍થાના કાળાચહેરાનો પરિચય કરાવ્‍યો છે. ચાઇલ્‍ડ વેલ્‍ફેર સંસ્‍થાઓનું કામ શું હોય છે? બસ, આવું જ. બાળકને કોઇપણ રીતે પોતાનાં મા-બાપ પાસેથી પડાવી લેવું. ત્‍યારે હવે જર્મનીની ચાઇલ્‍ડ વેલ્‍ફેર સંસ્‍થાઓની દાનત અને તેમના એજન્‍ડા સામે અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. એક સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે ચાઇલ્‍ડ વેલ્‍ફેર સંસ્‍થાઓ બાળકનાં માતા પિતાની પેરન્‍ટિંગ સ્‍કિલ સામે સવાલો ઉઠાવે છે. કોર્ટમાં કેસ ચાલે છે. બાળકને કાયદેસર રીતે માતા-પિતાથી છીનવી લેવામાં આવે છે.

૧૨ માર્ચના રોજ જૈન સમુદાયના વરિષ્ઠ પ્રતિનિધિઓએ જર્મનીના રાજદૂત ડૉ.ફિલિપ એકરમેનના નવી દિલ્‍હી સ્‍થિત નિવાસ સ્‍થાને જઈને રૂબરુ મુલાકાત કરી હતી

 

(4:17 PM IST)