News of Wednesday, 7th August 2024
ગુજરાતમાં દરરોજ ૨૨૩થી વધુ લોકોને હાર્ટની સમસ્યા : અમદાવાદ મોખરે

અમદાવાદ,તા.૭ : તાજેતરમાં સોશિયલ મીડિયામાં જયપુરનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ડાન્સ કરતી વખતે એક યુવાનને હાર્ટ એટેક આવતાં ઢળી પડ્યો હતો અને તેનું થોડી જ ક્ષણોમાં તેનું મળત્યુ થયું હતું. ગુજરાતમાં પણ આ પ્રકારે અચાનક જ હાર્ટ એટેકના કેસ આવવાના કિસ્સા છાસવારે સામે આવી રહ્યા છે.
જાન્યુઆરીથી જુલાઇ એમ સાત મહિનામાં હૃદયની સમસ્યાના ૪૭,૧૮૦ કેસ નોંધાઇ ચૂકયા છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ ૨૨૩ જ્યારે પ્રતિ કલાકે ૯ લોકોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે.
અમદાવાદ ૧૩,૯૦૬, સુરત ૩૮૭૦, રાજકોટ ૩૧૦૩, વડોદરા ૨૪૦૮, ભાવનગર ૨૩૭૫, જામનગર ૧૭૫૭, જુનાગઢ ૧૭૩૧, ગાંધીનગર ૧૩૧૩, અમરેલી ૧૨૩૧, કચ્છમાં ૧૧૧૮ કેસ નોંધાયા છે. આ અંગે ઈમરજન્સી સેવા ૧૦૮ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જાન્યુઆરીથી જુલાઇ સુધી આ વર્ષે રાજ્યમાં હૃદયની સમસ્યાના ૪૭,૧૮૦ કેસ જ્યારે ગત વર્ષે ૪૦,૨૫૮ કેસ નોંધાયા હતા. આમ, ગત વર્ષે જાન્યુઆરી થી જુલાઇની સરખામણીએ આ વખતે હૃદયની સમસ્યા ધરાવતા દર્દીમાં ૧૭ ટકાથી વઘુનો વધારો થયો હતો. જુલાઇમાં રાજ્યમાં હૃદયની સમસ્યાના ૭૧૧૧ કેસ નોંધાયેલા હતા. જૂન કરતાં જુલાઇમાં હૃદયની સમસ્યાના કેસમાં ૧૦ ટકા જેટલો વધારો થયો હતો.
અમદાવાદમાં ૧૩,૯૦૬ લોકોને છેલ્લા ૭ મહિનામાં હૃદયની સમસ્યા સર્જાયેલી છે. આ સ્થિતિએ અમદાવાદમાં દરરોજ સરેરાશ ૬૬ લોકોને હૃદયની સમસ્યાનો સામનો કરવો પડે છે. ગત વર્ષે જાન્યુઆરીથી જુલાઇ સુધી અમદાવાદમાં ૧૨,૧૩૩ કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ અમદાવાદમાં પણ ગત વર્ષ કરતાં ૧૦ ટકાથી વઘુનો વધારો થયો છે. હૃદયની સમસ્યાના સૌથી વઘુ કેસમાં અમદાવાદ બાદ સુરત બીજા અને વડોદરા ત્રીજા સ્થાને છે.
ડોક્ટરોના મતે છાતી ભારે લાગવી, પરસેવો વળી જવો, ધબકારા વધી જવા અથવા ધબકારા સંભાળાવવા, શ્વાસ લેવામાં તકલીફ થવી, ચક્કર આવવા અથવા આંખે અંધારા આવી જવા, અશકિત લાગવી તેમજ એસીડીટી જેવુ લાગવું, પીઠદર્દ થવું, જડબામાં દુઃખવું, હાથ ભારે લાગવા તે હૃદયરોગના મુખ્ય લક્ષણો છે. આવા લક્ષણો જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ.
(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
