<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

નર્મદા જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસે જાહેર રજા આપવા આવેદન અપાયું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા 9 ઓગસ્ટએ વિશ્વ આદિવાસી દિવસ નિમિતે જાહેર રજા આપવા બાબતે નર્મદા જિલ્લા કલેકટર તેમજ સાંસદ મનસુખભાઈ  વસાવાને આવેદન આપવામાં આવ્યું હતું.
   9 ઓગસ્ટે વિશ્વભરના આદિવાસી લોકોમાં જાગૃતિ ફેલાવવા અને તેમના અધિકારોના રક્ષણ માટે પ્રેરણા આપવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે, આદિવાસી અગ્રણી મહેશ વસાવા જણાવ્યું કે. આખા ભારતભરના આદિવાસીઓ માટે એક સામાન્ય દિવસ જ નહીં રહેતા સૌથી મોટો તહેવાર બની ચૂક્યો છે. પરંતુ આ દિવસે જાહેર રજા નહીં હોવાથી અનેક લોકો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ભાગ લઈ શકતા નથી.
ત્યારે દર વર્ષે 9 મી ઓગસ્ટના રોજ સરકારી, અર્ધસરકારી, ખાનગી તમામ સંસ્થામાં રજા જાહેર આપવા બાબતનું આવેદનપત્ર નર્મદા જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા જિલ્લા કલેકટર તેમજ સાંસદ મનસુખ વસાવા ને આપવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના કાર્યકરો તેમજ અન્ય આદિવાસી આગેવાનો હાજર રહ્યાં હતા.

(12:15 AM IST)