<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

અમદાવાદથી ૪૦ વર્ષના પરણેલા પ્રેમી સાથે ભાગી રાજકોટમાં રહેતી ૨૧ વર્ષની પ્રગતિ દાતણીયાનું ભેદી સંજોગોમાં મોત

મનોજ ડાભી સાથે સાધુ વાસવાણી રોડ પર ભાડાના મકાનમાં રહેતી હતીઃ પ્રેમી મનોજે કહ્યું-વધુ પડતું બ્‍લીડીંગ થઇ ગયું હતું: મોતનું કારણ જાણવા યુનિવર્સિટી પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું

રાજકોટ તા. ૮: અમદાવાદની યુવતિને તેનો પ્રેમી ચારેક મહિના પહેલા ભગાડીને રાજકોટ લાવ્‍યો હતો. અહિ તેણી સાધુ વાસવાણી રોડ પર શ્રમજીવી સોસાયટીમાં ભાડાના મકાનમાં પ્રેમી સાથે જ રહેતી હતી. તેનું શંકાસ્‍પદ હાલતમાં મૃત્‍યુ થતાં પોલીસે તપાસ આરંભી છે. પ્રેમીના કહેવા મુજબ અચાનક તેણીને વધુ પડતું બ્‍લીડીંગ થવા માંડતા બેભાન જેવી થઇ ગઇ હતી અને પોતે ૧૦૮ને જાણ કરતાં તેના તબિબે તેણીને મૃત જાહેર કરી હતી. મોતનું કારણ જાણવા પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ અમદાવાદની વતની પ્રગતિ અજયભાઇ દાતણીયા (ઉ.વ.૨૧) ચારેક મહિના પહેલા અમદાવાદ ખોજાપુરાની ચાલીમાં અસારવારમાં રહેતાં ૪૦ વર્ષના પરિણીત પ્રેમી મનોજ ચમનભાઇ ડાભી સાથે ભાગી નીકળી હતી. આ પછી મનોજ અને પ્રગતિ રાજકોટમાં સાધુ વાસવાણી રોડ પર શ્રમજીવી સોસાયટીમાં મકાન ભાડે રાખીને રહેતાં હતાં. ગઇકાલે સાંજે મનોજે ૧૦૮ને ફોન કરી પોતાની સાથે રહેતી પ્રગતિને ગુપ્‍તભાગેથી ખુબ જ લોહી નીકળે છે અને બેભાન જેવી થઇ ગઇ છે તેમ કહેતાં ૧૦૮ પહોંચી હતી. જો કે ૧૦૮ના તબિબે તપાસ કરતાં તેણીનું મૃત્‍યુ થયાનું જણાતાં પોલીસને જાણ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્‍સ. સિધ્‍ધરાજસિંહ અને કોન્‍સ. જયશ્રીબેન સહિતે ઘટના સ્‍થળે પહોંચી તપાસ કરી હતી.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ મૃત્‍યુ પામનાર પ્રગતિ દાતણીયા મુળ અમદાવાદની વતની હતી. તેણીને અમદાવાદ અસારવાના જ ૪૦ વર્ષના પરણેલા શખ્‍સ મનોજ ડાભી સાથે પ્રેમ થઇ જતાં બંને ચારેક મહિના પહેલા ભાગી નીકળ્‍યા બાદ રાજકોટ રહેતાં હતાં. મનોજ ઘરમાંથી રોકડ, દાગીના લઇને ગૂમ થઇ ગયાની નોંધ ત્‍યાંના પોલીસ સ્‍ટેશનમાં તેની પત્‍નિએ કરાવી હતી. પ્રેમી મનોજે પોલીસને જણાવ્‍યું હતું કે પ્રગતિને બ્‍લીડીંગ થઇ ગયા બાદ તબિયત બગડી હતી અને બેભાન થઇ ગઇ હતી. જો કે પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવા તજવીજ કરી હતી અને મૃતકના વાલીને બોલાવવા કાર્યવાહી હાથ ધરી હતી.

મૃત્‍યુ પામનાર પ્રગતિ અને મનોજની ઓળખાણ અમદાવાદમાં કોઇ જગ્‍યાએ દાણા જોવડાવવા ભેગા થઇ ગયા ત્‍યારે થઇ હતી. એ પછી બંને વચ્‍ચે પ્રેમ થઇ જતાં ભાગી નીકળ્‍યા હતાં.

(12:08 PM IST)