<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

નર્મદા ડેમની જળ સપાટી 127 મીટરને પાર પહોંચી :મહત્તમ સપાટીથી 11.46 મીટર દૂર

સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમે તેની જળ સપાટી 127 મીટરને પાર કરી

અમદાવાદ : ગુજરાતની જીવાદોરી કહેવાતો સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમે તેની જળ સપાટી 127 મીટરને પાર કરી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર હોવાની સામે હાલ ડેમની જળ સપાટી 127.22 મીટરે પહોંચી ગઈ છે. ડેમમાં પાણી આવક સામે જાવકમાં ધટાડો નોંધાયો છે.

હાલ રાજ્યમાં મેઘરાજાએ થોડી ખમ્મા કરી છે. પરંતુ તેમ છતાંય નર્મદા ડેમની જળસપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે. જેનું કારણે છે ઉપરવાસમાં વરસેલા વરસાદ અને ડેમમાં પાણીની આવક સામે જાવકનો ઘટાડો. ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં 1,97,987 ક્યુસેક પાણીની આવક થઇ છે. જેના કારણે સીઝનમાં પહેલીવાર નર્મદા ડેમની જળ સપાટી 127.22 મીટરે પહોંચી છે.

નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. અને હવે ડેમને તેની મહત્તમ સપાટીએ પહોંચવાથી માત્ર 11.46 મીટર દૂર છે. તો બીજી તરફ નર્મદા ડેમમાં પાણીની આવક સામે માત્ર 40,247 ક્યુસેક પાણીની જાવક થઇ છે. જેથી હાલ નર્મદા ડેમ 60 ટકા ઉપર ભરાઈ ગયો છે. નર્મદા ડેમમાં 2,417.07 mcm પાણી લાઈવ સ્ટોરેજ છે.

(1:28 PM IST)