<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

અજમેરમાં ગુજરાત હસ્‍તકલા ઉત્‍સવ

ગુજરાતના કલા કસબીઓએ બનાવેલી વસ્‍તુઓનું પ્રદર્શન અને વેંચાણ

રાજકોટ તા.૮: ગુજરાત સરકારના ઈન્‍ડેક્ષ્ટ-સી દ્વારા અજમેર-રાજસ્‍થાનમાં પ્રથમવાર ગુજરાતી હાથશાળ-હસ્‍તકલાના કલા-કારીગરોને માર્કેટિંગ પ્‍લેટફોર્મ માટે ‘‘ગુજરાત હેન્‍ડીક્રાફટસ ઉત્‍સવ''નું પ્રદર્શન-સહ-વેચાણ મેળો તા.૨ થી ૧૧ ઓગસ્‍ટ, ૨૦૨૪ સુધી યોજેલ છે.

ગુજરાત રાજયના ઉધોગ અને ખાણ વિભાગ હસ્‍તક કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગના નેજા હેઠળ ઈન્‍ડેક્ષ્ટ-સી દ્વારા હાથશાળ-હસ્‍તકલાનાં કારીગરોને રાજયના વિવિધ શહેરો તથા ગુજરાત બહારના અન્‍ય રાજ્‍યોમાં માર્કેટિંગ પ્‍લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. અજમેર-રાજસ્‍થાનમાં ઈન્‍ડેક્ષ્ટ-સી દ્વારા ‘‘ગુજરાત હેન્‍ડીક્રાફ્‌ટસ ઉત્‍સવ'' થકી ગુજરાતની હસ્‍તકલાને ઉજાગર કરવા પ્રદર્શન-સહ-વેચાણનું આયોજન કરવામાં આવેલ છે. અજમેર-રાજસ્‍થાનના આ આયોજનમાં ગુજરાતનાં કચ્‍છ, ભાવનગર, સુરત, બનાસકાંઠા, રાજકોટ, અમદાવાદ, જામનગર, આણંદ, નવસારી, વડોદરા, સુરેન્‍દનગર વિગેર જિલ્લાના કુલ ૫૦ થી વધુ કલા-કસબીઓ દ્વારા કચ્‍છી એમ્‍બ્રોઇડરી-અજરખ બ્‍લોક પ્રિન્‍ટ-બાંધણી, ટાય એન્‍ડ ડાય, મોતીકામ, ભરતકામ, ચણીયા-ચોળી, ચર્મકામ, જવેલરી તથા ગળહ સુશોભનની હાથશાળ-હસ્‍તકલાની વિવિધ ચીજ વસ્‍તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમા એવોર્ડી, લુપ્ત થતી કલાના કારીગરો, સહકારી મંડળીઓ સહીત શ્રેષ્ઠ કલા-કારીગરોનો સમાવેશ થયેલ છે. આ મેળા-પ્રદર્શનમાં કચ્‍છી ઘોડી તથા પપેટ શો નું  આયોજન કરેલ છે. અજમેરના નગરજનો બાળકો સાથે જેનો આનંદ લઇ રહ્યાં છે.

આ ઉત્‍સવનું ઉદ્દધાટન અર્બન હાટ અજમેર ખાતે શ્રી.દૌલતસિંહ ખંગારોત, સિનિયર મેનેજરશ્રી, અર્બન હાટ, જિ.ઉ.કે.-અજમેરના હસ્‍તે કરવામાં આવેલ. જે પ્રસંગે અજમેર જિલ્લા ઉદ્યોગ અને વાણિજય કેન્‍દ્રના અધિકારીઓ તથા ઇન્‍ડેક્ષ્ટ-સીના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતા.

અર્બન હાટ અજમેર ખાતેના આ સમગ્ર ઉત્‍સવનું આયોજન ઈન્‍ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકશ્રી એન.ડી. પરમાર જી.એ.એસ.ના માર્ગદર્શન હેઠળ મેનેજર(વર્ગ-૧)શ્રી આર.એસ. શાહ તથા સિનિયર ઓફિસર(પી.પી.)શ્રી આર.એસ. પ્રજાપતિ દ્વારા  સંકલન કરેલ છે. અજમેરમાં જેનું સંચાલન મેનેજર(માર્કેટીંગ) ર્ડા.સ્‍નેહલ મકવાણા કરી રહયાં છે. ઈન્‍ડેક્ષ્ટ-સીના માધ્‍યમથી ગુજરાતની હસ્‍તકલાને જીવંત રાખી, વિકસાવી કલા-કસબીઓને રોજગારી પુરી પાડવાના આ મેળા-પ્રદર્શનની સફળતા માટે શ્રી પ્રવીણ સોલંકી આઇ.એ.એસ. ચેરમેનશ્રી, ઇન્‍ડેક્ષ્ટ-સી અને સચિવશ્રી, ઉદ્યોગ અને ખાણ વિભાગે શુભેચ્‍છા પાઠવેલ છે.(૨.૮)

(2:52 PM IST)