<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

વન વિભાગ દ્વારા કાલે 'વિશ્વ સિંહ દિવસ' નિમિતે ૧૧ જિલ્લાઓમાં ૧૧,૦૦૦થી વધુ શૈક્ષણિક સંસ્થાઓમાં અંદાજે ૨૧ લાખથી વધુ નાગરિકો સહભાગી થશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સાસણ-ગીર ખાતે 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણી કરાશે : વન મંત્રી મુળુભાઈ બેરા ઉપસ્થિત રહેશે : સિંહના ફોટોગ્રાફસ, પ્રેરણાદાયી વીડિયો, ટેકસ્ટ મેસેજ, માઇક્રોબ્લોગ્સના માધ્યમથી સોશિયલ મીડિયા સહિત તમામ ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર વર્ચ્યુઅલ સેલિબ્રેશનનું આયોજન : ગુજરાતમાં વર્ષ ૨૦૨૦ની ગણતરી મુજબ સિંહની સંખ્યા ૬૭૪થી વધુ

રાજકોટ તા.૯ : મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ વન-પર્યાવરણ મંત્રી  મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આવતીકાલે તા. ૧૦ ઓગસ્ટના રોજ સવારે ૧૦.૦૦ કલાકે કમ્યુનિકેશન સેન્ટર, સિંહ સદન, સાસણ-ગીર ખાતે 'વિશ્વ સિંહ દિવસ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે તેમ, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા જણાવાયું છે.

વન વિભાગ દ્વારા વધુ વિગતો આપતાં કહ્યું છે કે, 'જંગલના રાજા સિંહ' પ્રત્યે નાગરિકોમાં વધુને વધુ જાગૃતિ આવે, તેનું યોગ્ય સંવર્ધન-સંરક્ષણ થાય તેવા ઉમદા હેતુથી ગુજરાત સહિત વિશ્વભરમાં દર વર્ષે તા. ૧૦ ઓગસ્ટના રોજ 'વિશ્વ સિંહ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાતમાં વસવાટ કરતાં એશિયાઈ સિંહ એ રાજ્યના ઘરેણા-ગૌરવ સમાન છે. 

એશિયાઇ સિંહ દેશમાં માત્ર સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજે ૧૧ જિલ્લાઓમાં કુદરતી વાતાવરણમાં મુકત રીતે વિહરતા જોવા મળે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તેમજ વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલના સતત માર્ગદર્શનમાં વન વિભાગે ગુજરાતમાં સિંહના સંરક્ષણ-સંવર્ધન માટે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે.

 એશિયાઇ સિંહ ગુજરાતનું ગૌરવ હોવાથી સિંહ પ્રત્યેના ભાવ સાથે ભૂજ, વ્યારા, નવસારી, ભરૃચ, અમદાવાદ, વડોદરા અને કચ્છ જિલ્લાની એન.જી.ઓ. દ્વારા પણ આ વિસ્તારની શાળાઓમાં આ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. ભાવનગર ખાતે  જનજાગૃતિ અભિયાનના ભાગરૃપે 'સિંહ દિવસ' નિમિત્તે PLO, નાયબ વન સંરક્ષકની કચેરી દ્વારા આવતીકાલે સવારે ૦૯.૦૦ કલાકે સરદાર પટેલ શિક્ષણ સંસ્થા સ્કૂલમાં નાટક પણરજૂ કરવામાં આવશે.

  આ ઉજવણી તમામ સોશ્યલ મીડિયાના માધ્યમથી કરવામાં આવશે. જેમાં વન વિભાગ દ્વારા સિંહ સંબંધિત  પોસ્ટ જેવી કે, સિંહના ફોટોગ્રાફસ, ટૂંકા વીડિયો, ટેકસ મેસેજ, SMS, માઇક્રો બ્લોગ, ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરી શેર કરવામાં આવશે. વધુમાં વધુ નાગરિકો વર્ચ્યુઅલ રીતે સોશ્યલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા આ ઉજવણીમાં જોડાય તે માટે 'ચાલો આપણે સૌ એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લઈએ અને આવનારી પેઢીઓ માટે તેનું જતન કરીએ. આપ સૌને 'વિશ્વ સિંહ દિવસ'ની શુભેચ્છાઓ' #WorldLionDay2024 જેવા SMS રાજ્યના વન્ય પ્રાણી વિભાગ, સાસણ-ગીર તેમજ વન વિભાગ દ્વારા અંદાજે ૭૫ લાખ નાગરિકોને જયારે  ૦૩ લાખ નાગરિકોને ઈ-મેઈલથી પહોંચાડાશે.

વધારેમાં વધારે નાગરીકો સુધી પહોંચી શકાય તે માટે વન વિભાગ દ્વારા #WorldLionDay2024 હેઝટેગ  બનાવવામાં આવ્યું છે તેનો ઉપયોગ કરી ભારતભરના અને વિશ્વના સિંહ પ્રેમીઓ, એન.જી.ઓ., પ્રકૃતિ પ્રેમીઓ, જન પ્રતિનિધિઓ, અધિકારીઓ, ગ્રામજનો તેમના ટેક્ષ મેસેજ, ફોટોગ્રાફસ, ટૂંકા વિડીયો સોશ્યલ મીડિયા પર શેર કરી આ ઉજવણીમાં ભાગીદાર થાય તે માટે જાગૃત કરવામાં આવશે. ઉપરાંત આ સંદેશો વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચે તે માટે સાહિત્ય-કલાકારો દ્વારા પણ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ઉજવણીમાં વધુમાં વધુ નાગરિકો સહભાગી થાય તે માટે વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

(4:37 PM IST)