News of Sunday, 11th August 2024
અમદાવાદમાં નકલી હોસ્પિટલના પુરાવા નાશ કરવા સીલ કરેલા મકાનમાં ઘૂસનાર સહિત 7ની ધરપકડ
આરોપીઓએ પોલીસથી બચવા હોસ્પિટલ સીલ હોવા છતાં કેટલાક પુરાવાઓ અને CCTV ફૂટેજમાં છેડછાડ કરવા હોસ્પિટલમાં ઘુસ્યા હતા.

અમદાવાદના બાવળા તાલુકામાં કેરાળા GIDC પોલીસ મથકની હદમાંથી ઝડપાયેલી નકલી હોસ્પિટલ કેસમાં વધુ સાત આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાં નકલી લેબોરેટરીના સંચાલકનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓએ પોલીસથી બચવા હોસ્પિટલ સીલ હોવા છતાં કેટલાક પુરાવાઓ અને CCTV ફૂટેજમાં છેડછાડ કરવા હોસ્પિટલમાં ઘુસ્યા હતા.
અમદાવાદ ગ્રામ્યની કેરાલા GIDC પોલીસના સકંજામાં આવેલ આ સાતેય આરોપીઓ નકલી હોસ્પિટલની સાથે નકલી લબોરેટરી પણ ચલાવતા હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સીલ કરાયેલી અનન્યા હોસ્પિટલમાથી પુરાવા નાશ કરવાના ઇરાદે પાછલા બારણે હોસ્પિટલમાં ઘુસી CCTVનુ N.V.R રેકોર્ડર તથા કેટલાક દર્દીઓના લેબ રિપોર્ટ આ આરોપીઓ દ્વારા ગુમ કરી દેવામાં આવ્યા હતા.
નકલી અનન્યા હોસ્પિટલમાં બોગસ પુજા પેથોલોજી લેબ ચલાવનાર સહીત 7 આરોપીઓને કેરાળા GIDC પોલીસે ઝડપી પાડ્યા છે.પકડાયેલા આરોપીઓમાં સ્મિત રામી,જયેશ ચાવડા,દિનેશ મકવાણા,વિશાલ પરમાર,તરૂણ ગોહીલ,રાજીવ ઉર્ફે ભુદેવ શર્મા,કિશન ઠાકોરનો સમાવેશ થાય છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ ના હેડક્વાર્ટર એસપી મેઘા તેવારે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે અનન્યા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના સંચાલકો દ્વારા બોગસ પુજા પેથોલોજી લેબમાં કોઇ પણ પ્રકારની ડીગ્રી કે રજીસ્ટ્રેશન વિના જ દર્દીઓના સેમ્પલ લઈ પુથ્થકરણ કરી ખોટા લેબ રીપોર્ટ તૈયાર કરવામાં આવતા હોવાનો ખુલાસો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ દરોડો પાડી અનન્યા હોસ્પિટલમાં પંચનામું કરી હોસ્પિટલને સિલ કરવામાં આવ્યું હતું.
કોઈ પણ સરકારી સિલ વસ્તુ કે મિલકત નો મંજૂરી વિના ઉપયોગ ન કરી શકાય પરંતુ પાછળના દરવાજે જ્યાં આરોગ્ય વિભાગ દ્વારા સિલ મારવામાં આવ્યું નહોતું તે હોસ્પિટલના પાછળના દરવાજે થી હોસ્પિટલમાં પ્રવેશી સીસીટીવીના ડીવીઆર ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું. કેરાલા જીઆઇડીસી પોલીસે આ ડીવીઆર કબજે કરી એફએસએલમાં તપાસ માટે મોકલી આપેલ છે જેથી સીસીટીવી માં છેડછાડ થઈ છે કે કેમ તે અને જો ફૂટેજ ડીલીટ કર્યા હોય તો તે રિકવર કરી વધુ તપાસ કરવામાં આવશે.
આરોપી જયેશ ચાવડાએ લેબ ટેક્નિશિયનનો અભ્યાસ કરેલો છે જેથી આખી લેબોરેટરી તેના હસ્તગત ચાલતી હતી. જ્યારે લેબમાં કામગીરી કરનાર દિનેશ મકવાણા માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હોવાનો ખુલાસો થયો છે. દર્દી ના રિપોર્ટ લેવાથી લઈ નર્સિંગના કામમાં વિશાલ પરમાર મદદગારી કરતો. પોલીસે એક આરોપી પાસેથી લેબમાંથી ચોરી કરેલ દર્દીઓ ના કેટલાક દસ્તાવેજો કબ્જે કર્યા છે તેવું એસ પી મેઘા તેવારે જણાવ્યું હતું.
નકલી હોસ્પિટલ કેસમાં પ્રથમ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો,હાલ જે 7 આરોપી ઝડપાયેલા છે તે પૈકી ચાર આરોપીઓના પોલીસે રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે ત્રણ આરોપીઓ ને જેલમાં ધકેલવામાં આવ્યા છે. રિમાન્ડ પર લેવાયેલ 4 આરોપીઓની પૂછપરછ માં વધુ ખુલાસાઓ ને આધારે અન્ય કેટલાક આરોપીઓ ની ધરપકડ કરવામાં આવશે.
(12:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
