<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર ડેપ્યુટેશન પર દિલ્હી જશે: મંત્રી પિયુષ ગોયલના રહેશે OSD

વરુણકુમારનું સંઘર્ષભર્યું જીવન તેમની આ સ્ટ્રગલ કેટલાય યુવાનો માટે પ્રેરણા બની રહી

બનાસકાંઠા કલેક્ટર વરુણ બરનવાલ ડેપ્યુટેશન પર દિલ્હી જશે. અત્રે જણાવીએ કે, થોડા સમય અગાઉ PGVCLના MD તરીકે ફરજ બજાવતા હતા ત્યાર બાદ બનાસકાંઠા કલેક્ટર તરીકે બદલી થઈ હતી, હવે તેઓ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના ઓ.એસ.ડી તરીકે ડેપ્યુટેશન પર જશે.  

ઇરાદો મજબૂત હોવો જોઇએ, કામ તો બધા સરળ થઇ જાય એ વાતને પણ વરુણ બરનવાલે સાબિત કરી બતાવી છે.કારણ કે, તેમણે UPSC પરીક્ષા પાસ કરી તેના પહેલાનું જીવન ખૂબ સંઘર્ષભર્યું રહ્યું છે.

મહારાષ્ટ્રના વરુન બરનવાલ, જે હિંમતનગરમાં આસિસ્ટન્ટ કલેક્ટર, ભરુચમાં સિનિયર ટાઇમ સ્કેલ ઓફ IAS,ભાવનગરના DDO, PGVCLના MD રહી ચુક્યા છે તેમજ વર્તમાનમાં બનાસકાંઠા કલેક્ટર તરીકે ફરજ બજાવે અને અત્યારે તેમને ડેપ્યુટેશન મળ્યું છે જેઓ પીયોષ ગોયલના OSD તરીકે નીમાયા છે. જેમના પિતાની સાઇકલ રિપેરિંગની દુકાન હતી, જેનાથી તે આખા પરિવારનું ભરણ પોષણ કરતા હતા. તેમના પિતા બંને બાળકોને સારુ જીવન આપવા માંગતા હતા પરંતુ માર્ચ 2006માં વરુણના 10મા ધોરણની પરિક્ષાના 4 દિવસ બાદ તે મૃત્યુ પામ્યા હતા. જેનાથી આખા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

  વરુણની બહેન શિક્ષક હતી અને તે ટ્યૂશન પણ કરાવતી હતી પરંતુ તેટલા રૂપિયા આખો પરિવાર ચલાવવા માટે પૂરતા નહોતા એટલે વરુણ તેના પિતાનો ધંધો શરૂ કરવાનો નિર્ણય કર્યો. વરુણે તેનો અભ્યાસ વચ્ચે જ છોડીને સાઇકલ રિપેરિંગનો ધંધો શરૂ કરી દીધો હતો. વરુણની માતાએ દિકરાના અભ્યાસને વચ્ચે ન અટકવા દીધો અને દુકાન તેમણે પોતે ચલાવી વરુણને ભણવા માટે પ્રેર્યો. વરુણે પાસેની કોલેજમાં એડમિશન માટે તપાસ કરી પરંતુ 1000રૂપિયા ફી હતી જે વરુણનો પરિવાર ભરી શકે તેમ નહોતો માટે તેણે અભ્યાસ મુલતવી રાખ્યો હતો.

  થોડા દિવસ બાદ વરુણની દુકાને ડોક્ટર આવ્યા કે જેણે તેના પિતાની સારવાર કરી હતી, તેમણે વરુણના ભવિષ્યના પ્લાન વિશે પૂછ્યું ત્યારે વરુણે પૈસાની તંગીના કારણે અભ્યાસ અધૂરો મૂક્યાની વાત કરી હતી. બાદમાં વરુણને એક કોલેજમાં એડમિશન મળ્યું કે જેની ફી માત્ર 650 રૂપિયા મહિનાની હતી. પરંતુ આટલી ફી પણ તેમનો પરિવાર ભરી શકે તેમ નહોતો. વરુણ સવારે વહેલા ઉઠી જતો હતો તે કોલેજ જતો બાદમાં બપોરે ટ્યુશન લેતો અને રાત્રે તેની માતાની દુકાનમાં મદદ કરતો હતો. વધેલા સમયમાં તે અભ્યાસ કરતો હતો. આ સંઘર્ષના સમયગાળામાં તેમણે તેમની ઉંઘનુ પણ બલિદાન આપ્યું હતું.

    12મા ધોરણ બાદ તેને સપનુ પૂરુ કરવા માટે તક મળી અને તે મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે ગયો પરંતુ મેડિકલ કોલેજની ફી તે ભરી શકે તેમ નહોતો માટે તેણે ઇજનેર બનવાનું નક્કી કર્યું. તે MIT પુણેમાંથી ગોલ્ડ મેડાલિસ્ટ બન્યો તેણે ટોપ કર્યુ અને સ્કોલરશીપ માટે અપ્લાય કર્યું. દરેક પ્રોસેસમાંથી નીકળ્યા બાદ તેને સ્કોલરશીપ મળી ગઇ

2012માં વરુણ ગ્રેજ્યુએટ થઇ ગયો બાદમાં તેને નોકરી મળી અને 6 મહિના નોકરી બાદ તેણે UPSCની તૈયારી શરૂ કરવા માટે વિચાર્યું. તેના રૂમમેટ ભૂષણે એક કોચીંગ ક્લાસના શિક્ષક જોડે ભેટો કરાવી આપ્યો જેણે વરુણની ખૂબ મદદ કરી. એક એનજીઓએ પુસ્તકો આપીને વરુણની મદદ કરી હતી. બાદમાં વરુણ બરનવાલ ગુજરાતના હિંમતનગરમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિયુક્ત થયા હતા, તે બાદ ભરુચમાં સિનિયર ટાઇમ સ્કેલ ઓફ IAS તરીકે બઢતી મળી અને ત્યારબાદ ભાવનગરમાં DDO તરીકે ફરજ બજાવી, એટલે જ અટક્યા નહી અને સરકારે પણ તેમના કાર્યોની નોંધ લઈ જવાબદારીઓમાં વધારો કર્યો અને આમ PGVCLના MD, બનાસકાંઠા કલેક્ટર અને હવે પિયુષ ગોયલના ઓ.એસ.ડી તરીકે ડેપ્યુટેશન મળ્યું છે. ત્યારે તેમની આ સ્ટ્રગલ કેટલાય યુવાનો માટે પ્રેરણા બની રહી છે.

(1:01 AM IST)