<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

પાલનપુરના આબુ હાઇવે પરથી ગેસના ૨૫ ગેરકાયદે સિલિન્ડર સાથે રિક્ષા ઝડપાઈ

પુરવઠા વિભાગે રૂ. ૨.૭૬ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી

પાલનપુર, તા.૧૧,

બનાસકાંઠા પુરવઠા અધિકારી પી.એમ.રાઠોડ તેમજ પુરવઠાની ટીમ અને પાલનપુર મામલતદાર સુટીની ટીમે પાલનપુર-આબુ હાઇવે ઉપરથી એક ખાનગી કંપનીની ૨૫ ગેસની બોટલો ઝડપી લઈ તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે પુરવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, પાલનપુર-આબુ હાઈવે પરથી છોટાહાથીમાં ગેસની ૨૫ ભરેલી બોટલો સાથે ચાલક અરવિંદભાઈ પોપટભાઈ રાવળ (રહે. ગઢ મડાણા, તા. પાલનપુર) ઝડપાયો હતો. તેની પાસેથી મળી આવેલી ગેસની બોટલોના કાગળો માંગતા તેની પાસે બિલો કે ડીલેવરીનું ચલણ મળી આવ્યું ન હતું તેમજ વાહન ઉપર એજન્સીનું નામ કે કંપનીનું નામ પણ ન હતું. આ બોટલો ગઢ બાજુ કોઈ એજન્સીમાંથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું તેમજ આ બોટલો ગામડાઓમાં આપવા માટે જતો હતો.

આ બોટલો એચ.પી કંપનીની હતી. જેની પાસે આધાર પુરાવા ન હોવાથી ૨૫ ગેસની ભરેલી બોટલ કિં. રૂ. ૭૬,૯૦૦ તેમજ એક છોટા હાથી રૂ. ૨ લાખ એમ કુલ મળી રૂ. ૨,૭૬,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી તપાસ કરવામાં આવી રહી છે.

(12:37 PM IST)