News of Sunday, 11th August 2024
પ્રેમલગ્ન કરનારા યુવકે ચિલોડા પાસે પુલ પરથી સાબરમતીમાં ઝંપલાવ્યું: બીજા દિવસે નદીમાંથી મૃતદેહ મળી આવ્યો
ચિલોડા પોલીસે આત્મહત્યાના આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે

ગાંધીનગર, તા.૧૧,
ગાંધીનગરનાં સેકટર - ૩૦ સર્કલથી ચિલોડા તરફ પુલ પરથી એક યુવાને ગુરુવારે રાત્રિના સમયે સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું. બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે સાબરમતી નદીમાં કલાકો સુધી યુવાનને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ યુવકની ભાળ મળી ન હતી. શુક્રવારે સવારે નદીમાં શોધખોળ કરીને ફાયર બ્રિગેડે યુવાનની લાશ બહાર કાઢી હતી. ચિલોડા પોલીસે આત્મહત્યાના આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે, ત્યારે મૃતક યુવાને પ્રેમ લગ્ન કર્યા હોવાનું અને પેથાપુરમાં રહેતો હોવાનું બહાર આવ્યું છે.
ગુરુવારે રાત્રે યુવાને બ્રિજ પરથી નદીમાં કૂદકો માર્યો હોવાની જાણ થતાં પસાર થતાં વાહનચાલકો ઊભા રહી ગયા હતા. બ્રિજ પર બંને બાજુ વાહનો ખડકાઈ ગયા હતા. જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ અંગે જાણ થતાં ચિલોડ પોલીસ દોડી આવી હતી અને ટ્રાફિક નિયમન કર્યું હતું. મોડી રાત સુધી પોલીસ અને ફાયર બ્રિગેડની સંયુક્ત કામગીરી છતાં યુવકનો પત્તો લાગ્યો ન હતો. જેથી શુક્રવારે સવારે સાબરમતી નદીમાં ફરી બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત પછી યુવાનની લાશને નદીમાંથી શોધી કાઢી હતી.
ચિલોડા પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, મૃતક યુવાનનું નામ નિર્મલસિંહ ભરતસિંહ સોલંકી(ઉ. ૨૮, ગજાનંદ સોસાયટી,પેથાપુર) હોવાનું બહાર આવ્યું છે. નિર્મલસિંહે પ્રમ લગ્ન કર્યા હતા અને ગૃહ કલેશના કારણે આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની જરૂરી કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આપઘાતના ચોક્કસ કારણો જાણવા પરિવારજનોની પૂછપરછ કરાશે.
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
