News of Sunday, 11th August 2024
નર્મદા નદીના આસપાસના ૬૦ થી વધુ ગામોને કરાયા એલર્ટ
નર્મદા ડેમમાંથી પાંચ દરવબાજા ખોલાયા અને પ૦ હજાર કયુસેક પાણી છોડવામાં આવ્યુઃ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે, ચાણોદ ઘાટના ૧૦૮ પગથીયામાંથી પાંચ પગથીયા પાણીમાં ગરકાવ

વડોદરાઃ જિલ્લાના શિનોર, કરજણ તાલુકો સહિત ઉપરવાસમાં ભારે વરસાદને લઈ જીવાદોરી સમાન (સરદાર સરોવર) નર્મદા અને દેવ ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી તબક્કાવાર સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સવારે 6 કલાકે 1.50 મીટરે 5 દરવાજા ખોલાયા છે અને 50,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું હતું. તબક્કાવાર કુલ 1.35000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જેથી 1.35000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં વહેતુ થશે જેને પગલે નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવતા તમામ ગામડાઓને તંત્ર દ્રારા એલર્ટ કરાયા છે.
સવારના 6 વાગેથી નર્મદા નદીમાં પાણી છોડવાનું શરૂ કરવાંમાં આવ્યું છે ત્યારે વડોદરાના શિનોર અને કરજણ તાલુકા સહિત 60 ગામોમાંથી પસાર થતી નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવતા તમામ ગામોને તંત્ર દ્રારા એલર્ટ કરવામાં આવ્યા છે. સરદાર સરોવરમાંથી પાણી છોડાયા બાદ અંદાજિત 4 - 5 કલાકે વડોદરાના શિનોર તાલુકા અને કરજણ તાલુકા નર્મદા નદીના પ્રવાહમાં પાણીનો વધારો જોવા મળતો હોય છે.
તંત્ર દ્વારા શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ સહિત 11 ગામો તેમજ કરજણ તાલુકાના 13 ગામો પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામોને તંત્ર દ્રારા એલર્ટ કરાયા છે. સાથે તંત્ર દ્રારા આપત્તિના સમયે 1077 નંબર જાહેર કરાયો છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ડભોઇ અને કરજણ તાલુકાના ગામોમાં પાણી ઘૂસી જતા હોય છે અને યાત્રાધામ ચાણોદનો મલ્હારરાવ ઘાટ સંપૂર્ણ પણે ડૂબી જતા હોય છે.
હાલ નર્મદા નદી બે કાંઠે વહી રહી છે અને ચાણોદ ઘાટ ના 108 પગથિયામાંથી 5 પગથિયા પાણીમાં ઘરકાવ થઇ ગયા છે. જોકે પાણી છોડવામાં આવ્યું હોય ડભોઇ તાલુકાના નર્મદા કિનારાના ચાંદોદ કરનાળી ભીમપુરા નંદેરીયા જેવા ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્રને સરપંચ અને તલાટીને સ્ટેન્ડ બાય રહેવા માટે પણ સૂચના આપી છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
