<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

અમદાવાદમાં 22 ઓગસ્ટ સુધી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ ;પહેલા બે દિવસમાં 7676 શહેરીજનો દંડાયા

ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 7676 અમદાવાદીઓ પાસેથી કુલ 41.81 લાખથી વધુ રૂપિયાનો દંડ વસૂલાયો

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા તેમજ વધતા જતા અકસ્માત મુદ્દે દાખલ થયેલી જાહેરહિતની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં હાઈકોર્ટ દ્વારા સરકાર અને ટ્રાફિક પોલીસ સત્તાધીશોને ફટકાર લગાવતા ટુ-વ્હીલર પર પાછળ બેસનારા માટે હેલ્મેટ ફરજિયાત કરવા તેમજ રોંગ સાઈડ વાહન હંકારનારા સામે પગલાં લેવા નિર્દેશ આપ્યા હતા. જે બાદ ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિના વાહન ચલાવતા તેમજ રોંગ સાઈડમાં વાહન હંકારનારા વાહન ચાલકો સામે ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત વીતેલા બે દિવસમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 7676 અમદાવાદીઓ પાસેથી કુલ 41.81 લાખથી વધુ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ડ્રાઈવ શરૂ થઈ તેના પ્રથમ દિવસે એટલે કે 9 ઓગસ્ટના રોજ હેલ્મેટ વિના વાહન ચલાવનારા 2406 લોકો પાસેથી 12,05,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે ગેરકાયદેસર પાર્કિંગ કરનારા 947 લોકો પાસેથી 4,85,850 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

  ડ્રાઈવના બીજા દિવસે એટલે કે શનિવારના રોજ હેલ્મેટ વિના વાહન ચલાવનારા 4107 લોકો પાસેથી 20,59,500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. જ્યારે આજ દિવસે 196 લોકો પાસેથી રોંગ સાઈડમાં વાહન હંકારવા બદલ 3,30,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આમ માત્ર 2 દિવસમાં 6513 લોકો હેલ્મેટ વિના વાહન ચલાવતા ઝડપાયા છે. જેમની પાસેથી 32.64 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજીની સુનાવણી વખતે ચીફ જસ્ટિસે અમદાવાદમાં ટ્રાફિકની જટીલ સમસ્યા તેમજ વધતા જતા અકસ્માતોને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ચીફ જસ્ટિસે પોતાના હુકમમાં અકસ્માત નિવારવા માટે અકસ્માત સંભવિત સ્થળો પર ખાસ વૉચ રાખવા અને ટ્રાફિક વધુ હોય તેવા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા સવાર-સાંજ વિશેષ કામગીરી કરવા તેમજ રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો. જેના અનુસંધાને ટ્રાફિક પોલીસ દ્વારા આગામી 22 ઓગસ્ટ સુધી સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.

(9:10 PM IST)