<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

સુરતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા : 23.70 લાખના બનાવટી કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત

તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટીક બનાવટના કુલ 9 નમુના લઈ ચકાસણી માટે મોકલાયા

સુરત શહેરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા દરોડા પાડીને રૂપિયા 23.70 લાખનો બનાવટી કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટીક બનાવટના કુલ 9 નમુના લઈ ચકાસણી માટે મોકલાયા છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ.એચજી કોશિયા એ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ તથા કોસ્મેટીક સામાન શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે છે જેના ભાગરૂપે સુરતના પુણાગામ ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક બનાવટોનું ઉત્પાદન કરતી ફેક્ટરી પકડી પાડીને તંત્ર દ્વારા શંકાસ્પદ કોસ્મેટીક બનાવટના કુલ 9 નમુના લઈ ચકાસણી માટે મોકલી અપાયા છે અને રૂપિયા 23.70 લાખનો બનાવટી કોસ્મેટીકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

તેમણે ઉમેર્યુ કે,રાજ્યમાં દવા તથા કોસ્મેટીક નમુનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં તત્વો સામે કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર – બનાવટી દવા તેમજ કોસ્મેટીકના વેચાણમા સંકળાયેલ વ્યકિતઓ વિરુદ્ધ કડક કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે.

આ ઉપરાંત આજ ટીમ દ્વારા સી.કે કોર્પોરેશન, પુણાગામ ખાતે અલગ અલગ બ્રાન્ડની લેબલ વાળી કોસ્મેટીક બનાવટોનો જથ્થો મોટી માત્રામાં મળી આવેલ. જેમાં તેઓ દ્વારા પ્રીશીલ લેબોરેટરી, વડોદરા ના નામ, સરનામા તથા લાયસન્સ નંબરનો તેઓની જાણ બહાર ઉપયોગ કરી કોસ્મેટીક નું ઉત્પાદન તેમજ પોતાના નામનું ઉત્પાદન કરી એમેઝોન, ફ્લીપકાર્ટ જેવા ઓન લાઇન પ્લેટફોર્મ પર કોસ્મેટીક નુ વેચાણ કરતા નિકુલ ભિમજી ભાઇ રુખી ને પકડી પાડીને આશરે રૂપિયા 20 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને ૫ સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપેલ છે. તેમણે કહ્યુ કે,તંત્રની તપાસ દરમ્યાન અધિકારીઓએ 9 નમુનાઓ નિયત ફોર્મ હેઠળ લઈ પૃથ્થકરણ અર્થે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા, વડોદરા ખાતે ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.

જેના ભાગરૂપે તાજેતરમાં વાયજી દરજી, નાયબ કમિશ્નર (ચા.શા)ના માર્ગદર્શન હેઠળ તથા ગુજરાત રાજયની ફ્લાઇંગ સ્કોડના અધિકારી ડૉ. પીબી પટેલ મુખ્ય કચેરી, ગાંધીનગરના અને પ્રકાશ પૃસનાની, મદદનીશ કમિશ્નર, સુરત, તથા સુરત , ભરુચ અને વલસાડ તંત્રના અન્ય અધિકારીઓ એ સાથે રહી ગેરકાયદેસર વગર પરવાને ઉત્પાદન કરતા કોસ્મેટીકની ફેકટરીમાં દરોડા પાડ્યા. જેમાં સ્મિત એન્ટરપ્રાઇઝ, એટલાંટા મોલ, સુદામા ચોક, મોટા વરાછા, સુરત દ્વારા વગર પરવાને અન્ય કંપનીના નામ, સરનામા તથા અન્યના લાયસન્સ નંબરનો ઉપયોગ કરી કોસ્મેટીક બનાવટ્નું ઉત્પાદન કરતા સ્મિત એન્ટરપ્રાઇઝના માલીક હિંમતભાઇ વિઠલભાઇ વડાલીયાને ઝડપી પાડીને રૂ. 4.30 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તથા ૪ સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.

(9:12 PM IST)