<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th August 2024

કેવડિયામાં બે આદિવાસી યુવાનોની હત્યા બાદ આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાશે: ચૈતર વસાવા

ગઈકાલે બંને મૃતકોના પિતાઓને કેટલાક લોકો દ્વારા ગેરમાર્ગે દોરીને કે ડરાવીને વિડીયો વાયરલ કર્યો હતો પરંતુ બંને પિતાઓ આજે અમારી સાથે છે: ચૈતર વસાવા:આજે કોઈપણ ઉત્તેજક પ્રોગ્રામ નથી, અમે મૌન પાળવાના છીએ. માટે આ કાર્યક્રમનો કોઈને વિરોધ ન હોવો જોઈએ: ચૈતર વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:કેવડિયામાં બે આદિવાસી સમાજના યુવકોના હત્યા કરવામાં આવી હતી. આ બંને યુવકોના પિતાઓને ગેરમાર્ગે દોરીને કેટલાક લોકોએ ખોટા વિડીયો બનાવીને વાયરલ કર્યા છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પોતાની ટીમ સાથે તે પરિવારને મળ્યા અને ત્યારબાદ ચૈતરભાઇ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે સાત તારીખે જયેશભાઈનું મોત થયું હતું અને આઠ તારીખે સંજય ભાઈ નું મોત થયું. અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ તડવીભાઈ, રણજીતભાઈ તડવી નિરંજનભાઈ વસાવા અને અમે સૌએ સાથે મળીને નિર્ણય લીધો હતો કે 9 ઓગસ્ટના રોજ કેવડીયા ગરુડેશ્વર બંધ રહેશે અને તે કાર્યક્રમ શાંતિપૂર્વક યોજાયો હતો.
   13 તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવાનો હતો અને એસપીની સહમતિ બાદ અમે લોકોને જાણ કરી છે અને આજનો અમારો કાર્યક્રમ થવાનો છે. પરંતુ ગઈકાલે બંને મૃતકોના પિતાઓને કેટલાક લોકો દ્વારા ગેરમાર્ગે દોરીને કે ડરાવીને કહ્યું કે "તમારી સહાયની રકમ પાછી લઈ લેવામાં આવશે તમને જેલ કરવામાં આવશે અને તમે અમે કહીએ તેમ સ્ટેટમેન્ટ આપી દો" તેમ કહીને બાજુમાં ઊભા રાખીને બે વિડીયો બનાવવામાં આવ્યા છે. આ ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે અમારો કોઈ પર્સનલ એજન્ડા આમાં નથી. આ કાર્યક્રમનો હેતુ માત્ર એટલો છે કે અમે ત્યાં ફૂલ અર્પણ કરીને જે ભેટ આપવાનો વ્યવહાર હોય છે, તે વ્યવહાર કરવાના છે. આ કાર્યક્રમમાં સ્થાનિક સાંસદ જશુભાઈ રાઠવા, મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, અનંતભાઈ પટેલ, સુખરામભાઈ રાઠવા, છોટુભાઈ વસાવા અને ચૈતર વસાવા આમ અમે તમામ આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહીશું.

(10:57 PM IST)