<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

રક્ષાબંધન તહેવારને પગલે એસ.ટી. નિગમનો મોટો નિર્ણય: 17 થી 20 ઓગસ્ટ દરમિયાન 6500 એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન

મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસો દોડાવાશે તમામ ડેપોમાં મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને બસો દોડાવવા માટે અગાઉથી સૂચના આપી દેવાઈ

અમદાવાદ : ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા દર વર્ષે તહેવારોના દિવસો દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવતી હોય છે. આગામી દિવસમાં રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને એસ.ટી નિગમ દ્વારા અંદાજિત 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

હકીકતમાં રક્ષાબંધન અને જન્માષ્ટમીના પર્વ દરમિયાન મિની વેકેશન જેવો માહોલ હોય છે. જેમાં મોટી સંખ્યામાં શહેરમાંથી લોકો તહેવાર મનાવવા માટે પોતાના વતન જતાં હોય છે, તો કેટલાક લોકો બહાર ફરવા જવાનું આયોજન કરતાં હોય છે. જેના કારણે એસ.ટી બસોમાં મુસાફરોનો ભારે ધસારો જોવા મળતો હતો. આ અરસામાં ખાનગી લક્ઝરી બસના સંચાલકો દ્વારા પણ મુસાફરોને લૂંટવામાં આવતા હોય છે.

 

એવામાં શ્રાવણ મહિનાના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એસ.ટી નિગમ દ્વારા આગામી 17થી 20 ઓગસ્ટ દરમિયાન 6500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે વિગતો આપતાં એસ.ટી. નિગમના ઈન્ચાર્જ આર.ડી. ગલચરે જણાવ્યું કે, રાજ્યના તમામ ડેપોમાં મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને બસો દોડાવવા માટે અગાઉથી સૂચના આપી દેવામાં આવી છે. જે રૂટ પર પ્રવાસીઓનો વધારે ટ્રાફિક રહેતો હોય, ત્યાં એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે. જેથી મુસાફરનો ખોટો સમયના વેડફાય.

(10:33 PM IST)