તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૦ સોમવાર
News of Thursday, 15th August 2024
સીમકાર્ડની ઓનલાઇન પ્રક્રિયામાં મોટું કૌભાંડ ! એક્ટિવ સીમકાર્ડનું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા લોકોને વેચાણ !!
ઓનલાઈન ફોટોગ્રાફ્સ અને બાયોમેટ્રિક પદ્ધતિ થી પુરાવાઓ એકત્ર કરી સીમકાર્ડ એક્ટિવ થતું હતું

અમદાવાદ : સીમકાર્ડ ખરીદી કરનારની જાણ બહાર જ તેમના આધાર પુરાવાઓ થકી અન્ય એક મોબાઈલ નંબર પણ એક્ટિવ થઈ જાય છે. જેને ગેરકાયદેસર પ્રવૃતિમાં ઉપયોગ કરવામાં આવે છે. આધુનિક યુગમાં કોઈપણ વસ્તુની ખરીદી સામે વિક્ર્તાઓ વસ્તુ ખરીદનારના આધાર પુરાવા માંગતા હોય છે જેના થકી વસ્તુ ખરીદનાર વ્યક્તિ યોગ્ય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવતી હોય છે, પરંતુ એવું ક્યારેય પણ વિચાર્યું નહીં હોય કે દ્વારા વિક્રેતાઓને આપવામાં આવતા આધાર પુરાવાઓ અન્ય પ્રવૃત્તિઓમાં પણ વપરાતા હશે
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રીતે સીમકાર્ડ વેચાણનું મોટું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે. જે કોઈપણ વ્યક્તિ સીમકાર્ડની ખરીદી કરવા આવતો હતો તે સીમકાર્ડની સામે જે તે વ્યક્તિના આધાર પુરાવા મેળવવામાં આવતા હતા, તેમજ તેમના ઓનલાઈન ફોટોગ્રાફ્સ અને બાયોમેટ્રિક પદ્ધતિ થી પુરાવાઓ એકત્ર કરી સીમકાર્ડ એક્ટિવ થતું હતું, જોકે વિક્રેતાઓ દ્વારા એક સીમકાર્ડ નહીં પરંતુ બે સીમકાર્ડ એક્ટિવ કરવામાં આવતા હતા. જેમાં એક સીમકાર્ડ કે જે ખરીદનારને આપવામાં આવતું હતું અને બીજું સીમકાર્ડ કે જે ખરીદનારની જાણ બહાર જ એક્ટિવ થઈ જતું હતું અને તેને ગેરકાયદેસર પ્રવૃતિમાં કોઈપણ આધાર પુરા વગર વેચવામાં આવતું હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને કૌભાંડની જાણ થતા ફરિયાદના આધારે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ગેરકાયદેસર સીમ વેચનાર તેમજ લોકો સાથે છેતરપિંડી કરનાર મહમદ તલહા ઉર્ફે કબીર મિર્ઝા, કયુમ ઉર્ફે ભૂરા રાઠોડ, અજય રાવળ અને જયેશ ઉર્ફે જય નામના ચાર લોકોની ધરપકડ કરી છે. ચારેય આરોપીઓ માંથી કયુમ ઉર્ફે ભૂરો શાહપુર ચાર રસ્તા અને અજય રાવળ વસ્ત્રાલની નિરાંત ચોકડી પાસે ફૂટપાથ પર છત્રી લગાવી એરટેલ કંપનીના સીમકાર્ડનું વેચાણ કરતા હતા.
આરોપી કયુમ અને અજય સીમકાર્ડ ખરીદવા આવતા ગ્રાહકો પાસેથી આધાર પુરાવા લેતો હતો તેમજ ઓનલાઇન પ્રક્રિયા સમયે બે વખત ફોટોગ્રાફ અને બાયોમેટ્રિક ઇમ્પ્રેશન ની પ્રક્રિયા કરાવતો હતો. જેના દ્વારા તે બે અલગ અલગ સીમકાર્ડ એક્ટિવ કરતો હતો. જેમાંથી એક સીમકાર્ડ ગ્રાહકને આપતો હતો તેમજ અન્ય સીમકાર્ડનું વેચાણ અન્ય આરોપીઓને કરતો હતો.
સીમકાર્ડ લેવા આવેલા ગ્રાહકના નામ પર એક્ટિવ થયેલું બીજું સીમકાર્ડ આરોપી કયુમ ઉર્ફે ભૂરો અને અજય દ્વારા જયેશને 300 રૂપિયામાં વેચવામાં આવતું હતું. જે બાદ આરોપી જયેશ દ્વારા મહમદ તલ્હાને 300 માં લીધેલું સીમકાર્ડ 800 રૂપિયામાં વેચવામાં આવતું હતું.
આરોપી મોહમ્મદ તલ્હા ઉર્ફે કબીર મિર્ઝા છેલ્લા ત્રણેક મહિનાથી ટેલિગ્રામ ગ્રુપ મારફતે પ્રિ-એક્ટિવ થયેલા સીમકાર્ડની જથ્થાબંધ ખરીદી કરી તેને પોતાના મોબાઈલ ફોન થી સીમકાર્ડ એક્ટિવ છે કે કેમ તેની ખાતરી કરી એક્ટિવ થયેલા સીમકાર્ડને ગેરકાયદેસર રીતે માર્કેટિંગ અને સટ્ટા બેટિંગ કરતાં વ્યક્તિઓને કોઈપણ આધાર પુરાવા વગર ઉંચી કિંમતે વેચાણ કરતો હતો. આરોપી મોહમ્મદ તલ્હા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકોને અંદાજિત રૂપિયા 1600 થી 2200 સુધીમાં સીમકાર્ડનું વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓ પાસેથી 49 જેટલા સીમકાર્ડ કબજે કરી તેની તપાસ શરૂ કરી છે. પોલીસને અંદાજો છે કે ચારેય આરોપીઓ ભેગા થઈને એક હજાર થી વધુ સીમકાર્ડનું ગેરકાયદેસર વેચાણ કર્યું હોઈ શકે છે જેને લઇને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલું છે કે કેમ તેમજ ગેરકાયદેસર રીતે સીમકાર્ડ ખરીદનાર લોકો કોણ છે તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
(12:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
