News of Friday, 16th August 2024
કાલે મેડીકલ સેવા બંધના એલાનમાં ગુજરાતના ૩૭ હજાર તબીબો જોડાશે
ખાનગી, કોર્પોરેટ, મેડીકલ કોલેજ, ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલના તબિબો ૨૪ કલાક સેવાથી અળગા રહેશે : શનિવારે સવારે ૬થી રવિવારે સવારે ૬ વાગ્યા સુધી રાજ્યની તમામ હોસ્પિટલમાં ઓપીડી, ઓપરેશન, પ્રોસીઝર, રૂટીન સેવા બંધ રહેશે : માત્ર ઇમરજન્સી : સેવા ચાલુ રહેશે : કોલકત્તાની ઘટના સામે તબીબોમાં ભારે રોષ : ગુજરાત IMAના પ્રેસીડેન્ટ ડો. ભરત કાકડીયાના નેતૃત્વમાં આંદોલનાત્મક કાર્યક્રમો

રાજકોટ તા. ૧૬ : કોલકત્તામાં તબીબ પર દુષ્કર્મ અને હત્યાના બનાવથી સમગ્ર દેશમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સમગ્ર દેશમાં દેખાવો અને વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. તબીબોનું સંગઠન ઇન્ડિયન મેડિકલ એસોસીએશનને દેશ વ્યાપી ૨૪ કલાક મેડિકલ સેવા બંધનું એલાન તા. ૧૭ના શનિવારે આપ્યું છે. તબીબોમાં ભારે રોષ પ્રવર્તે છે.
રાષ્ટ્રીય આઇએમએ દ્વારા કલકત્તાની ઘટનાને હુમલા સામે દેશવ્યાપી હડતાલનું એલાન આપ્યું છે. જેમાં શનિવારે તા. ૧૭ના સવારે ૬ થી રવિવાર સવારે ૬ દરમિયાન ઇમરજન્સી સિવાયની તમામ મેડિકલ સેવા બંધ રાખવાનું એલાન આપ્યું છે.
રાષ્ટ્રીય આઇએમએની સુચનાથી ગુજરાત આઇએમએ દ્વારા પણ હડતાલની અસર રહે તે માટે પ્રમુખ ડો. ભરત કાકડિયાના નેતૃત્વમાં ગુજરાતના તમામ જિલ્લા આઇએમએના તબીબો સાથે સંકલન કરીને સજ્જડ હડતાલ રહે તે માટે પ્રયત્નશીલ છે.
ગુજરાત ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સાથે જોડાયેલા ૩૭ હજારથી વધુ તબીબો આવતીકાલે સવારે ૬ થી રવિવાર સવારે ૬ સુધી ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ, કોર્પોરેટ હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ, સરકારી મેડિકલ કોલેજમાં ઇમરજન્સી સિવાય તમામ સેવાથી અળગા રહેશે. તબીબો આવતીકાલે ૨૪ કલાક દરમિયાન પ્રોસીજર, ઓપીડી, ઓપરેશન, દાખલ થવાની પ્રક્રિયા કે રૂટિન વર્ક નહિ કરે.
ગુજરાત આઇએમએના પ્રમુખ ડો. ભરત કાકડિયાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આવતીકાલે સમગ્ર ગુજરાત રાજ્યમાં જિલ્લા મથકો, નગરપાલિકા કક્ષાએ કેન્ડલ માર્ચ, શોકસભા, ધરણાના કાર્યક્રમો તેમજ સાંસદ સભ્યને આવેદન આપીને હોસ્પિટલને સેફ ઝોન તરીકે જાહેર કરવાનો ખાસ કાયદો લાવવા માંગણી કરવામાં આવશે. મેડિકલ કોલેજના જુનિયર ડોકટર્સને મળીને હડતાલને સમર્થન આપવામાં આવશે.
ઇન્ડિયન મેડિકલ એસો.ના ગુજરાત પ્રમુખ ડો. ભરત કાકડિયા, સેક્રેટરી ડો. મેહુલ શાહ, રાજકોટ આઇએમએના પ્રમુખ ડો. કાંત જોગાણી સહિતના તબીબોએ હડતાલને સફળ બનાવવા સંકલન કરી રહ્યા છે.
(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
