<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

ભાજપના નેતાઓ વિરુદ્ધ 'પત્રિકાકાંડ' :કાર્યકરોનો લેટર વાયરલ થતા ખળભળાટ:કમલમમાંથી કહ્યું -ખબર નથી

પાર્ટીના નામે હોદ્દાનો ઉપયોગ કરી ટોળકી રૂપિયામાં જ પડી હોવાનો આરોપ:લેટરમાં મણિનગરની મહિલા કાર્યકર્તાઓને લંપટ સ્વામીથી બચવા પણ કહેવાયું:નનામા પત્રથી રાજકારણમાં ગરમાવો : પત્ર કોર્પોરેટર અને વોર્ડ પ્રમુખોને પણ મોકલાયો

અમદાવાદમાં ભાજપના નેતાઓ સામે કાર્યકર્તાઓનો પત્ર સામે આવ્યો છે. વિગતો મુજબ ભાજપના નેતાઓ પરના ભ્રષ્ટાચારના આક્ષેપનો નનામો પત્ર વાયરલ થતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ પત્રમાં અમુલ ભટ્ટ, વિપુલ સેવક, ધવલ રાવલ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. એક નનામો પત્ર વાયરલ થતાં હવે અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનની રાજનીતિ ગરમાઈ છે.

   ભાજપના નેતાઓ વિરુદ્ધ ભાજપના કાર્યકરનો લેટર વાયરલ થયો છે. વિગતો મુજબ ભાજપના નેતાઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરતો નનામો પત્ર વાયરલ થતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

   અમુલ ભટ્ટ, વિપુલ સેવક, ધવલ રાવલ પર ભ્રષ્ટાચારના આક્ષેપનો પત્ર મણિનગરના કોર્પોરેટરોના ઓફિસે પહોંચ્યો છે. આ નનામા પત્રમાં મણિનગરના ધારાસભ્ય અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટ પર કરોડોના ભ્રષ્ટાચારના આરોપ કરવામાં આવ્યો છે.

   આ સાથે આ પત્રમાં પૂર્વ મનપા પ્રભારી ધર્મેન્દ્ર શાહ અને તેમની નજીકના નેતાઓ વિશે લેટરમાં લખાણ કરવામાં આવ્યું છે. તો વળી આ લેટરમાં BJPનાં ચાલુ ધારાસભ્ય સહિત AMCના ચાલુ અને પૂર્વ પદાધિકારીઓના નામનો પણ ઉલ્લેખ છે. જેમાં પાર્ટીના નામે હોદ્દાનો ઉપયોગ કરી ટોળકી રૂપિયામાં જ પડી હોવાનો આરોપ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. આ સાથે લેટરમાં મણિનગરની મહિલા કાર્યકર્તાઓને લંપટ સ્વામીથી બચવા પણ કહેવાયું છે. વિગતો મુજબ આ લેટર વિધાનસભાના કોર્પોરેટરો અને વોર્ડ પ્રમુખોને પણ મોકલાયો છે

  ભાજપના નેતાઓ સામે આક્ષેપ કરતી નનામી પત્રિકાનો મામલે હવે ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવેનુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, મારા ધ્યાનમાં આવી કોઈ પત્ર આવ્યો નથી. જાહેરજીવનમાં આવેલ વ્યક્તિ તમામ લોકોને સંતોષ ન આપી શકે. અથવા વ્યક્તિનું કામ ન થયું હોય એવા લોકો નાનામો પત્ર લખ્યો હશે. આ સાથે તેમણે કહ્યું કે, જો વ્યક્તિ ખરો હોય તો નામ સાથે અરજી કરી શકે છે. જો પત્ર ધ્યાનમાં આવશે તો ભાજપ પક્ષ તપાસ કરશે.

(1:44 PM IST)