<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

૭૮મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી ઉજવણી કરી

આપણો નર્મદા જિલ્લો પ્રવાસન ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ફલક પર વિસ્તરે – જિલ્લા કલેક્ટર એસ.કે.મોદી:શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ ખાતે રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી : નાંદોદ તાલુકાના વિકાસ માટે રૂપિયા ૨૫ લાખનો ચેક કલેક્ટરના હસ્તે અર્પણ:વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા : એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: આઝાદીના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વ ૧૫મી ઓગસ્ટની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીના હસ્તે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી પરેડનું નિરિક્ષણ કર્યું હતું.  રાજપીપલા ખાતે શ્રી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલયના મેદાનમાં હર્ષ અને ઉમંગભેર રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
 
જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ ૭૮મા સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે સંબોધતન કરતા જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાઓ પાઠવી જિલ્લાની પ્રગતિ ઉત્તરોત્તર થતી રહે અને વિશ્વ ફલક પર જિલ્લાનું નામ રોશન થાય તેવું સૌ સાથે મળી પ્રયાસ કરીએ તેવી નેમ વ્યક્ત કરી હતી.
ગુજરાતને વધુ હરીયાળું બનાવવાના લક્ષ્ય સાથે 'એક પેડ માં કે નામ' અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત વન વિભાગ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ અને નાગરિકોની સહભાગિતા આવશ્યક છે.
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે એક રાષ્ટ્ર બનાવ્યું તો બીજા પનોતા પુત્ર અને દેશના ત્રીજી વારના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપણા દેશને “એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવી નર્મદા જિલ્લાને પ્રવાસન થકી વિશ્વ ફલક સુધી લઈ જનારી ૧૮૨ મીટર ઊંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ની ભેટ મળી છે. અહીં પ્રવાસનને વેગ મળતા સ્થાનિક આદિવાસી યુવક-યુવતીઓ ઘર આંગણે રોજગારી મેળવી પગભર થયા છે.  
એકતાનગરની મુલાકાતે આવતા પ્રવાસીઓ સરદાર સરોવર નર્મદા બંધ, ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક, આરોગ્ય વન, જંગલ સફારી પાર્ક, કેક્ટસ ગાર્ડન, વેલી ઓફ ફ્લાવર, રિવર રાફ્ટિંગ, બોટિંગ, નર્મદા ઘાટ ખાતે આરતી, એકતા મોલ, મહિલા સંચાલિત પિંક ઈ-રિક્ષાની સવારી સહિત પ્રાકૃતિક સૌંદર્યથી આચ્છાદિત વન સંપદાનો નજારો પ્રવાસીઓને માણવાનો અનેરો લ્હાવો મળે છે.  
નર્મદા જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન સમાજ કલ્યાણ વિભાગને રૂપિયા ૨૩૯ લાખની જોગવાઈ કરાતા રૂપિયા ૨૩૮ લાખનો ખર્ચ કરી ૯૯.૯૮ ટકા જેટલી સિધ્ધિ હાંસલ કરી છે. આપ સૌને જણાવતા હું અત્યંત આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ અત્રેના નર્મદા જિલ્લામાં ૨૦૨૪ ના વર્ષમાં અંદાજિત રૂપિયા ૨૨ કરોડના નાણાકીય ખર્ચ થકી ૩૮૭૩૨૪ લાભાર્થીને આવરી લેવામાં આવ્યા છે, જે પૈકી ૮૬૨૦ લાભાર્થીઓની સહાય હોસ્પિટલોને ચૂકવવામાં આવી છે.  
નર્મદા જિલ્લામાં શિક્ષણ, પોષણ અને આરોગ્યની સુવિધાની સાથે અહીંના બાળકો રમતક્ષેત્રે પણ પોતાનામાં છુપાયેલીની પ્રતિભાને ઉજાગર કરે તે માટે સરકારશ્રી દ્વારા જિલ્લા રમત સંકુલ ખાતે સિન્થેટીક એથ્લેટીક ટ્રેક અને ડોરમેટરી બિલ્ડિંગ ઉપલબ્ધ કરાવી છે. આ સગવડનો સદઉપયોગ કરીને બાળકો રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે.

નર્મદા જીલ્લાનાં રાજપીપલા ખાતે રાષ્ટ્રીય કક્ષાની એકમાત્ર “બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સીટી” અંદાજીત રૂપિયા ૪૩૧ કરોડનાં ખર્ચે નિર્માણ કાર્ય હાલમાં ચાલુ છે. આદિજાતિ સમુદાય માટે ગર્વ લેવા તેમજ પ્રેરિત થવા જેવી બાબત કે નર્મદા જીલ્લાનાં ગરૂડેશ્વર ખાતે રાષ્ટ્રીય કક્ષાનું “ટ્રાયબલ મ્યુઝિયમ” અંદાજીત રૂ. ૧૩૭ કરોડનાં ખર્ચે બનાવવાનું કાર્ય હાલમાં પ્રગતિ હેઠળ છે.નર્મદા જીલ્લાની ટ્રાયબલ સબ પ્લાન, પ્રાયોજના વહીવટદારની કચેરીને વર્ષ ૨૦૨૪-૨૫ માં સરકાર તરફથી ટી.એ.એસ. પી.ના વિવિધ પ્રોજેકટસ માટે અંદાજીત રૂપિયા ૫૬ કરોડની નાણાંકીય જોગવાઈ કરવામાં આવી છે.
આ ઉજવણી પ્રસંગે નાંદોદ તાલુકાની છ શાળાના બાળકોએ દેશભક્તિને અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં પ્રથમ, દ્વિતિય, તૃતિય ક્રમે આવનારને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. તેમજ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. પોલીસ વિભાગની ટીમ દ્વારા વોલી ફાયરિંગ હર્ષ ધ્વનિ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સુંદર નિદર્શન કરવામાં આવ્યું હતું.
નાંદોદ તાલુકાના વિકાસ માટે જિલ્લા કલેક્ટરના હસ્તે રૂપિયા ૨૫ લાખનો ચેક મામલતદારને અર્પણ કરાયો હતો. કાર્યક્રમ બાદ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કાર્યક્રમ સ્થળે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના આઈકોનિક સ્થળ અને તાલુકા કક્ષાએ, સ્વૈચ્છિક સંસ્થાઓ, શાળા-કોલેજોમાં પણ રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

જિલ્લાકક્ષાની આ ઉજવણી પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવી, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, રાજપીપલા રાજવી પરિવારના માનવેન્દ્રસિંહ ગોહિલ તથા પરિવારના સભ્યો, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, મદદનીશ કલેક્ટર સુ મુસ્કાન ડાગર, નાયબ વન સંરક્ષક સર્વ નિરજકુમાર અને શ્રી મિતેશ પટેલ, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, નાંદોદના પ્રાંત અધિકારી ડો. કિશનદાન ગઢવી, નાયબ કલેકટર પ્રોટોકોલ એન.એફ. વસાવા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, ચૂંટાયેલા સભ્યો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો

(11:48 PM IST)