<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

અમદાવાદના તમામ વિસ્તારો બે દિવસ 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરાયો

ગૃહમંત્રી અમિતભાઇ શાહની મુલાકાતને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું

અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ આજથી 19 ઓગસ્ટ સુધી અમદાવાદ શહેરની મુલાકાતે આવી રહયા છે. જેને લઈને સુરક્ષાના ભાગરૂપે પોલીસ કમિશનર દ્વારા આગામી 2 દિવસ સુધી અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવ્યા મુજબ, દેશવિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયાં તત્ત્વો માનવરહિત રિમોટ સંચાલિત વિમાન જેવાં સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝ જેવાં સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતાં ઉપકરણોના ગેરલાભ લઈ કાયદો અને વ્યવસ્થાને હાનિ પહોંચાડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

આથી જાહેર જનતાની સલામતીને ધ્યાને લઈ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. આ જે દરમિયાનમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત માઇક્રો લાઈટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર/પેરા ગ્લાઈડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા જમ્પિંગ ચલાવવાની/કરવાની મનાઈ રહેશે. આ હુકમ આગામી 19 ઓગસ્ટ રાતના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે. જ્યારે આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીના વિઝન હેઠળ દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત અન્ય પડોશી દેશોના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવા સંદર્ભે આગામી તા.18મી ઓગસ્ટે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ  શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલની ઉપસ્થિતિમાં એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે 188 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

જે વ્યક્તિઓએ પડોશી દેશોમાં દમનને કારણે ભારતમાં આશ્રય મેળવ્યો છે, તેમને નાગરિકતા પ્રદાન કરાશે. અમદાવાદ ખાતે આયોજીત આ સમારોહ પડોશી દેશોમાં દમનનો ભોગ બનેલા આવા વ્યક્તિઓના કલ્યાણ અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ પ્રમાણપત્રોનું વિતરણ સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) ના અમલીકરણની દિશામાં ગુજરાતનું એક નિર્ણાયક પગલું સાબિત થશે.

(12:50 AM IST)