<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

સુરતના પાંડેસરામાં વિધવા મહિલાને તેના જ પ્રેમીએ બેટ વડે બેરહેમીથી ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધી

મહિલા પોતાના દિયર સાથે વાત કરતી હતી ત્યારે પ્રેમીએ આડા સબંધનો વહેમ રાખીને વિધવાને પતાવી દીધી : 3 સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

સુરતના પાંડેસરા વિસ્તારમાં વિધવા મહિલાને તેના જ પ્રેમીએ ઉપરા છાપરી બેટ વડે બેરહેમીથી ફટકારીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મહિલા પોતાન ઘરે દિયર સાથે બેસીને વાત કરતી હતી, ત્યારે આવી ચડેલા પ્રેમીએ આડા સબંધનો વહેમ રાખીને વિધવાને પતાવી દીધી હતી. મહિલાના મોતના કારણે 3 સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, દીના (બદલેલું નામ)ના પતિનું આજથી 7 વર્ષ અગાઉ અવસાન થયું હતુ. હાલ તે પોતાના 3 સંતાનો સાથે શહેરના પાંડેસરા વિસ્તારમાં રહે છે. દીનાનો કમલ ઉર્ફે કમલેશ મોરડિયા નામના યુવક સાથે પ્રેમ સબંધ હતો.

જો કે ગઈકાલે દીનાનો દીયર તેના ઘરે આવ્યો હતો, જ્યાં બન્ને જણા બેસીને વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન કમલેશન ત્યાં ધસી આવ્યો હતો. જેણે દીનાના દીયર સાથે અનૈતિક સબંધ હોવાનો વહેમ રાખીને ઝઘડો કર્યો હતો. કમલેશે ગાળો ભાંડતા દીનાનો દીયર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જે બાદ આવેશમાં આવેલા કમલેશે ઘરમાં રહેલું બેટ લઈને દીના પર તૂટી પડ્યો હતો.

આ દરમિયાન દીનાની બૂમો સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. જેમને પણ કમલેશે ગાળો ભાંડી હતી. દીનાને બેરહેમીથી મારતા-મારતા થાકી જઈને કમલેશ પણ થાકીને ત્યાંજ ફસડાઈ પડ્યો હતો.

બીજી તરફ આ બાબતની જાણ કરવામાં આવતા 108ની ટીમ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં 108ની ટીમે દીનાને તપાસીને મૃત જાહેર કરી હતી. હાલ તો પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારા પ્રેમી કમલેશની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:08 AM IST)