<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

ગુજરાત સરકાર લાવશે અંધશ્રદ્ધા વિરોધી કાયદો, ૬ મહિનાથી ૭ વર્ષ સુધીની સજાની જોગવાઈઃ હવે દોરાધાગા કરશો તો થશે સજા

આ સત્રમાં સરકાર પાંચ મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરવાની છે, જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અંધશ્રદ્ધા વિરોધી કાયદો છે

અમદાવાદ,તા.૧૮,

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસીય ચોમાસુ સત્ર આગામી ૨૧થી ૨૩ ઓગસ્ટ દરમિયાન યોજાવાનું છે. આ સત્રમાં સરકાર પાંચ મહત્વપૂર્ણ વિધેયકો રજૂ કરવાની છે, જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ અંધશ્રદ્ધા વિરોધી કાયદો છે.

*ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક ૨૦૨૪* નામના આ વિધેયકમાં અંધશ્રદ્ધા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહીની જોગવાઈ છે. આ કાયદા હેઠળ, કહેવાતા ચમત્કારોનો પ્રચાર, ભૂત પ્રેત ભગાડવાના નામે શારીરિક પીડા આપવી, અનિષ્ટ શક્તિઓનો દાવો કરવો, અને અલૌકિક શક્તિના નામે જાતીય શોષણ જેવી પ્રવૃત્તિઓ ગુનો ગણાશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાયદા હેઠળ દોષિતોને ૬ મહિનાથી ૭ વર્ષ સુધીની જેલની સજા અને રૂ. ૫ હજારથી ૫૦ હજાર સુધીનો દંડ થઈ શકે છે. જોકે, ધાર્મિક વિધિઓ અને પરંપરાઓને આ કાયદાથી મુક્તિ આપવામાં આવી છે.

વિધાનસભાના આ સત્રની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ૨૦ ઓગસ્ટે વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે, જેમાં સત્રનું વિસ્તૃત આયોજન નક્કી કરવામાં આવશે.

આ વિધેયક ઉપરાંત અન્ય ચાર મહત્વપૂર્ણ વિધેયકો પણ આ સત્રમાં રજૂ થવાની શક્યતા છે. રાજ્ય સરકારે આ તમામ વિધેયકોને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દીધી છે.

અંધશ્રઘ્ધા વિરોધી કાયદાની મહત્વની બાબતો

*   *ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક ૨૦૨૪* તૈયાર

*   ધાર્મિક વિધિ અને પરંપરાને કાયદાથી છૂટ આપવામાં આવી

*   કહેવાતા ચમત્કારો અને તેના પ્રચાર - પસાર કરવો ગુનો ગણાશે

*   ભૂત કે ડાકણ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી અને અપાવવી ગુનો ગણાશે

*   કોઈ વ્યક્તિ પાસે અનિષ્ટ શક્તિ છે અને તેનાથી બીજાનું નુકશાન થાય છે તેનો પ્રચાર કરવો પણ ગુનો ગણાશે

*   સાપ, વીંછી કે શ્વાનના કરડવા અંગે દવાખાને લાઇજવતા રોકવા અને દોરા, ધાગા કે મંત્રો કરવા તે ગુનો ગણાશે

*   ભૂત કે ડાકણ મંત્રોથી બોલાવી અન્યને ભયમાં મૂકવા તે બાબત પણ ગુનો બનશે

*   ભૂત - ડાકણને બોલાવી અન્યોને શારીરિક ઇજા પહોંચાડવી પણ ગુનો બનશે

*   ગર્ભ ધારણ કરવા અસમર્થ સ્ત્રી સાથે અલૌકિક શક્તિથી માતૃત્વ આપવાના બહાને જાતીય સંબંધ બાંધવો ગુનો ગણાશે

*   આંગળી દ્વારા શસ્ત્ર ક્રિયા કરવી કે તેમ કરવાનો દાવો કરવો પણ ગુનો ગણાશે

*   આવો ગુનો કરનાર વ્યક્તિને ૬ મહિનાથી ૭ વર્ષ સુધીની સજા થાય તેવી સૂચિત કાયદામાં જોગવાઈ

*           ગુનેગારને રૂ. ૫ હજારથી ૫૦ હજારનો આર્થિક દંડ કરવાની પણ સૂચિત કાયદામાં જોગવાઈ

(12:11 PM IST)