News of Sunday, 18th August 2024
રક્ષાબંધન પર 7 કલાક રહેશે ભદ્રા : રાખડી બાંધવા માટે કેટલો મળશે સમય? : જાણો 3 સર્વશ્રેષ્ઠ મુહૂર્ત
પૂર્ણિમાની તિથિ પર ભદ્રા રહિતના મુહૂર્તમાં રાખડી બાંધવી જોઈએ

અમદાવાદ : રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂર્ણિમાની તિથિ પર ઉજવવામાં આવે છે. હંમેશા પૂર્ણિમાની તિથિ પર ભદ્રા રહિતના મુહૂર્તમાં રાખડી બાંધવી જોઈએ. આ દિવસ ભગવાન ભોળાનાથને સમર્પિત શ્રાવણના સોમવારે છે. એની સાથે જ બે સંયોગથી આ દિવસનું મહત્વ વધી જાય છે. જો કે, પૂર્ણિમાની તિથિ 18 ઓગસ્ટની રાતે 03.04 વાગ્યે શરુ થઇ જશે, જે 19 ઓગસ્ટની રાતે 12.28 મિનિટ સુધી રહેશે. પાતાળ લોકની ભદ્રા સૂર્યોદયથી બપોરે 1.30 વાગ્યા સુધી રહેશે. ભદ્રા કાળમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવતો નથી. ભદ્રા સમાપ્ત થવા સાથે જ શુભ ચોઘડિયા મુહૂર્તમાં બહેન પોતાના ભાઈને રાખડી બાંધી શકશે. બહેનો માટે 19 ઓગસ્ટના રોજ રાખડી બાંધવા માટે 3 શુભ મુહૂર્ત પણ બની રહ્યા છે. એવામાં બહેને ચર, લાભ અને અમૃત યોગમાં ભાઈની હથેળી પર રેશમનો દોરો બાંધી શકે છે.
સૂર્યોદય બાદ શુભ મુહૂર્તમાં રાખડી બાંધવા માટે થાળી સજાવો. થાળીમાં ચંદન, કંકુ, અક્ષત, મીઠાઈ, દીવો રાખો. પૂર્વ દિશા તરફ આસન લગાવી ભાઈને બેસાડો. પછી ભાઈના કપાળ પર તિલક લગાવો, પછી એના પર અક્ષત લગાવો અને કાંડા પર રાખડી બાંધો. ઘીના દિવાથી આરતી ઉતારો. મીઠાઈ ખવડાવો. જેના બદલામાં ભાઈ બહેનની હંમેશા રક્ષા કરવાનો સંકલ્પ લે છે. સાથે જ રાખડીને બદલે પોતાની સુવિધા અનુસાર ઉપહાર આપે છે અને બહેનના આશીર્વાદ લે છે. નાની બહેન હોય તો આશીર્વાદ આપે છે.
પંડિતજી અનુસાર, ભદ્રા સમાપ્ત થયા બાદ બપોરે 1.40 વાગ્યાથી લઇ સાંજે 6.25 સુધી રક્ષાબંધનનો તહેવાર ઉજવવું સર્વશ્રેષ્ઠ તેમજ શુભ ફળદાયી રહેશે. ત્યાર બાદ પણ મુહૂર્ત બનેલું રહેશે. સૌભગ્ય, શોભન યોગ સાથે સાથે સિદ્ધિ નામક ઔદાયિક યોગ વ્યાપ્ત રહેશે. ગ્રહોની સ્થિતિના આધારે જોઈએ તો શશ નામક પંચ મહાપુરુષ યોગ, બુધાદિત્ય રાજયોગ તેમજ લક્ષ્મી નારાયણ યોગનો સંયોગ બનશે, જે શુભ ફળદાયક હશે. જો કે, સાંજે 6.25થી રાતે 7.40 સુધી અને રાતે 10.30 વાગ્યાથી મધરાત્રી 12 વાગ્યા સુધી મુહૂર્ત બનેલું રહેશે. રાતના સમયે 8.13 વાગ્યાથી પંચક લાગશે. છતાં ત્યાર બાદ પણ રક્ષાબંધન ઉજવવું ઉત્તમ રહેશે
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
