<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

સુરતના વી.આર. મોલને વધુ એક વખત ઉડાવી દેવાની ધમકી મળી : આખો મોલ ખાલી કરાવાયો :અફરાતફરી

ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો :મોલમાં એક્સ્પ્લોઝીવ પ્લાન્ટ કર્યા હોવાનો ધમકીભર્યો ઈમેલ મળ્યો : પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો : પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને મોલની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ શરૂ કર્યું

સુરત : શહેરના ડુમ્મસ રોડ પર આવેલા વી.આર. મોલને વધુ એક વખત ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતા અફરાતફરી મચી જવા પામી છે. હાલ તો તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા સમગ્ર મોલને ખાલી કરાવી દેવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ડુમ્મસ રોડ પર આવેલા વી.આર. મૉલના ઑફિશિયલ એકાઉન્ટ પર બપોરે 3 વાગ્યાની આસપાસ ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. જેમાં મોલમાં એક્સ્પ્લોઝીવ પ્લાન્ટ કર્યા હોવાનું જણાવ્યું હતુ. આ મેઈલ બાબતે મૉલ સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જે બાદ પોલીસે સુરક્ષા કારણોસર સમગ્ર મોલને ખાલી કરાવી દીધો હતો. જે બાદ પોલીસે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડને સાથે રાખીને મોલની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં સઘન ચેકિંગ શરૂ કર્યું છે.

આ બાબતે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અગાઉ પણ આ પ્રકારનો મેઈલ મળી ચૂક્યો છે. જેમાં એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ વી.આર. મોલ સહિત 74 લોકેશનોને બોમ્બથી ઉડાવી મૂકવાની ધમકી આપવામાં આવી હતી. જે-તે સમયે પણ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતુ, પરંતુ કંઈ હાથ લાગ્યું નહતુ. આવા મેઈલ અલગ-અલગ VPN પરથી કરવામાં આવતા હોય છે, જેથી તેને મોકલનારની તપાસ સાઇબર ક્રાઈમની ટીમ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આજે રક્ષાબંધનની રજા હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે મોલમાં જતા હોય છે. એવામાં ધમકીભર્યા મેઈલના પગલે તાત્કાલિક મોલ ખાલી કરાવતા થોડાસમય માટે અફરાતફરી મચી ગઈ હતી

(7:17 PM IST)