<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

શિક્ષણ બોર્ડના ૯ સભ્યોની ચૂંટણીમાં દાવેદારી નોંધાવાની કાર્યવાહી શરૃઃ ૭૪ર૪ર મતદારો નોંધાયા

તા. ર સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશેઃ શૈક્ષણીક સંવર્ગમાં બેઠકોનો ધમધમાટ

રાજકોટ તા. ર૧: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. માધ્યમિક શિક્ષણક્ષેત્રે માભા તેમજ મલાઇદાર ગણાતું આ શિક્ષણ બોર્ડના સભ્યપદ માટે શાળાના વિવિધ સંવર્ગમાં બેઠકોનો ધમધમાટ થયો છે. ચૂંટણીને અનુલક્ષીને મંડળો અને શૈક્ષણિક સંઘ અને ચૂંટણી લડવા ઇચ્છુક મુરતીયાઓ પ્રવાસ કરી રહ્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ૯ સભ્યોની ચૂંટણી માટે જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરનામા બાદ રાજયના જે તે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પર શિક્ષણ બોર્ડની ઓફીસ ખાતે તા. ર૦ ઓગષ્ટની તા. ૩૧ ઓગસ્ટ દરમીયાન ઉમેદવારી પત્રો મળી રહેશે. આમ તા. ર સપ્ટેમ્બરના ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થશે.

શિક્ષણ બોર્ડની ચૂંટણી અનુલક્ષીને ઉમેદવારી પત્રો ભરાયા બાદ તા. ૩ સપ્ટેમ્બરના ચકાસણી હાથ ધરવામાં આવશે. તા. ૪ સપ્ટે.થી તા. ૬ સપ્ટે. દરમીયાન ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચી શકાશે. તા. ૧૦ સપ્ટેમ્બરના ચૂંટણીમાં બાકી રહેલા ઉમેદવારોની અંતિમ યાદી જાહેર કરાશે. તા. ર૪ સપ્ટેમ્બરના મતદાન અને તા. ર૬ સપ્ટેમ્બરના મતગણત્રી હાથ ધરાશે.

માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં કુલ ૭૪ર૪ર મતદારો રાજયભરમાંથી નોંધાયા છે. જેમાં સૌથી વધુ મતદારો માધ્યમિક શિક્ષણ સંવર્ગની બેઠકમાં છે. જેમાં રર૯૬૮ મતદારો છે. જયારે શાળાના આચાર્ય સંવર્ગમાં ૪ર૦પ મતદારો, વહીવટી કર્મચારી સંવર્ગની બેઠકમાં ૧૧૭પ૬ મતદારો છે. જયારે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંવર્ગમાં ૧૬૩૮ મતદારો નોંધાયા છે. જયારે શાળા વાલી મંડળ સંવર્ગમાં પ૬૧૬ મતદારો મતદાન કરી શકશે.

(1:35 PM IST)