News of Wednesday, 21st August 2024
ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ: શિવ ઘાટના ભયાનક દ્રશ્યો: વાહન વ્યવહારને ભારે અસર
મુખ્ય માર્ગો પર આવેલા ઝરણાંમાં પાણીની આવક વધી જેના કારણે ઝરણાંઓ ઘણાં જ વિરરાળ બન્યા

ડાંગ: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેર વરસાવી રહ્યા છે. ત્યારે તે ઉપરાંતના વિસ્તારોના લોક બફારા અને ગરમીથી કંટાળીને વરસાદની રાહ જોઇ રહ્યા છે. તો બીજી બાજુ ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાને કારણે હાલ શિવઘાટના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. વરસાદના આંકડા પ્રમાણે, મંગળવારે 24 કલાકમાં આહવામાં સૌથી વધુ 3.72 ઇંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે જિલ્લાના મુખ્ય માર્ગો પર આવેલા ઝરણાંમાં પાણીની આવક વધી ગઇ છે. જેના કારણે ઝરણાંઓ ઘણાં જ વિરરાળ લાગી રહ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. શિવ ઘાટના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. આહવા ખાતે પડેલા વરસાદને કારણે માર્ગો ઉપર પાણી ફરી વળ્યાં છે. આ સાથે જિલ્લાના મુખ્ય માર્ગો ઉપરના ઝરણાંના ધોધમાં પાણીની આવક વધી ગઇ છે.
આહવાથી સાપુતારા તરફ શિવઘાટ ધોધ આવે છે. પ્રવાસીઓમાં તેનું અનેરું આકર્ષણ છે. આ શિવઘાટ ધોધની પહેલાની તસવીર છે. જેમા તે સૌમ્ય રીતે વહી રહ્યો છે.
આહવાથી વઘઇ જતા માર્ગ ઉપર ઘોઘલી ઘાટ અને આહવાથી સાપુતારા તરફ શિવઘાટ ઉપરના ઝરણાંમાં ભયાનક રીતે પડી રહ્યા છે. માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહનવ્યવહારને અસર થઇ રહી છે.
આહવા પંથકમાં ધોધમાર વરસાદનાં પગલે કોતરડા, વહેળા, નાળા અને નાના મોટા જળધોધ ઓવરફ્લો થયા હતા. જ્યારે વઘઇનો ગીરાધોધ પણ હાલમાં સોળેકળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સાપુતારા ખાતે ઝરમરીયા વરસાદી માહોલની વચ્ચે ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.
મંગળવારના 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, કુલ 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગના આહવામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. આંકડાઓ જોઇએ તો, ડાંગના આહવામાં 3.72 ઇંચ, ચિખલીમાં 3.12 ઇંચ, કવાંટમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સુરતના પલસાણા, નાંદોદ, ગીરીયાધર, છોટાઉદેપુર, જેતપુર પાવી, ભરૂચ, ગળતેશ્વરમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
