News of Wednesday, 21st August 2024
રહેણાંક સહકારી સોસાયટીમાં ઉપાશ્રય બાંધતા અટકાવી શકાય નહિ
ગુજરાત રાજય સહકારી ટ્રીબ્યુનલનો શકવર્તી ચુકાદો : ટ્રીબ્યુનલના પ્રમુખ પી.જી. ગોકાણીની બેંચ દ્વારા અપાયેલ ગુજરાત રાજયની સમગ્ર સહકારી રહેણાંક સોસાયટીને લાગુ પડતો ચુકાદો

રાજકોટ : વડોદરામાં હરણીરોડ ઉપર આવેલ બાપુનગર કો.ઓપ. હાઉસીંગ સોસાયટી લી. દ્વારા વડોદરા બોર્ડ ઓફ નોમીનીઝ સમક્ષ દાવો દાખલ કરીને એવી રજુઆત કરવામાં આવેલ કે, સોસાયટીમાં આવેલ ગાંધીપાર્ક વિભાગનાં બ્લોક નં.૨૨ માં કોઇપણ પ્રકારનું વાણિજ્યીક, ધાર્મિક તથા કોમર્શીયલ પ્રકારનું બાંધકામ કોઇ પ્રકારે કરે કે કરાવે નહિં તેવી દાદ ઘનશ્યામ હસમુખલાલ સોની અને બીજાઓ વિરુદ્ધ માંગેલી હતી. સાથેસાથે વચગાળાનો દાવો ચાલતા સુધીનો મનાઇ હુકમ માંગેલો હતો.
વાદી તરફે એટલે કે સોસાયટી તરફે મુખ્યત્વે એવી રજુઆત હતી કે, આ સોસાયટી સહકારી અને રહેણાંકની સોસાયટી છે તેમાં કોમર્શીયલ એક્ટીવીટી કરી શકાય નહિં. પ્રતિવાદીઓ સોસાયટીના બ્લોકનું ટ્રસ્ટને અપાશરો(ઉપાશ્રય) બનાવવા વેચાણ કરવા માંગે છે. જેથી અપાશરો બંધાવાથી પણ સોસાયટીનાં રહીશોને અગવડતા- અસુવિધા ઉભી થાય તેમજ સોસાયટીનાં નિયમો-પેટાનિયમો મુજબ રહેણાંક સોસાયટીમાં આવી કામગીરી પરવાનગીને પાત્ર નથી, તેથી દાવાની સાથે બ્લોકનાં વેચાણથી લઇને આગળની તમામ કામગીરી સ્થગિત કરવા દાદ માંગી હતી.
જે સંબંધે વડોદરાનાં બોર્ડ ઓફ નોમીની જજે વાદી એટલે કે, ‘બાપુનગર કો.ઓપ.હા.સોસા.લી.' ની મનાઇ અરજી બંને પક્ષે સાંભળીને નામંજૂર કરી હતી. જેથી વાદી- સોસાયટીએ ગુજરાત રાજ્યની સહકારી ટ્રીબ્યુનલમાં રીવીઝન અરજી દાખલ કરીને બોર્ડ ઓફ નોમીનીઝનાં હુકમને પડકારેલો હતો. જે રીવીઝન અરજીની સુનાવણી ટ્રીબ્યુનલની મુખ્ય બેંચ કે જેમાં પ્રમુખશ્રી અને નોન-જ્યુડીશ્યલ મેમ્બરનો સમાવેશ થાય છે તેમાં સુનાવણી નીકળેલ હતી.
બાપુનગર સોસાયટી તરફે મુખ્યત્વે દલીલો એવી હતી કે, આ સોસાયટી સહકારી કાયદા હેઠળ રચાયેલી છે અને તેનાં સભ્યોનાં વસવાટ માટેની સોસાયટી છે તેમાં મૂળ પ્રતિવાદીઓ દ્વારા જો કોઇ આર્થિક ઉપાર્જન થાય તેવી ધાર્મિક પ્રવળત્તિ કરવામાં આવે તો
તે પણ સોસાયટીનાં પેટાનિયમો મુજબ પ્રતિબંધિત છે તેથી સામાવાળાઓ જે ટ્રસ્ટને બ્લોકનું વેચાણ કરીને ટ્રસ્ટ તેમાં અપાશરો બનાવવા ઇચ્છે તેને અટકાવવું જરૂરી છે નહિંતર સોસાયટીનાં રહેવાસી સભ્યોને અગવડતાઓ ઉભી થશે, ટ્રસ્ટ દ્વારા કોમર્શીયલ એક્ટીવીટી હાથ ધરવામાં આવશે. આપણી હાઇકોર્ટે પણ રહેણાંક સોસાયટીમાં કોમર્શીયલ એક્ટીવીટી થાય તેવું ધાર્મિક બાંધકામ પણ ન કરી શકાય તેવો ચુકાદો આપેલો છે. જેથી પ્રતિવાદીઓ વિરુદ્ધ મનાઇ હુકમ ફરમાવવો જરૂરી છે.
સહકારી ટ્રીબ્યુનલની બેંચ શ્રી પી. જી. ગોકાણી-પ્રમુખશ્રી અને શ્રી એમ. જે. પરીખ-મેમ્બર, દ્વારા બંને પક્ષકારો તરફે થયેલ દિવસો લાંબી દલીલો સાંભળવામાં આવી હતી. કાયદાના આધારો ધ્યાને લેવામાં આવેલાં હતાં. અંતે ટ્રીબ્યુનલ એવા સ્પષ્ટ તારણ ઉપર આવેલ છે કે, સહકારી સોસાયટીમાં આવેલ બ્લોકમાં અપાશરો (ઉપાશ્રય) બનાવતાં અને તે સારુ અનુસરવામાં આવતી તમામ પ્રક્રિયા કરતાં અટકાવવા જરૂરી નથી. જેથી બોર્ડ ઓફ નોમીનીઝે મનાઇ હુકમ નામંજૂર કરતાં હુકમ સામેની સોસાયટીની રીવીઝન અરજી રદ કરેલ હતી.
ટ્રીબ્યુનલે ગુજરાત હાઇકોર્ટના એક ચૂકાદા આધારે એવું ઠરાવેલ છે કે, સહકારી રહેણાંક સોસાયટીમાં અપાસરો બને તો તેને અટકાવી શકાય નહિં કારણ કે, અપાસરાનો ઉપયોગ સાધુ-સાધ્વી-ગુરુભગવંતોના હંગામી નિવાસ માટે ઉપયોગમાં લેવાતું આશ્રય સ્થાન છે તેમાંથી કોઇ આર્થિક ઉપાર્જન થતું નથી. માટે ઉપાશ્રયની પ્રવળત્તિને કોમર્શીયલ એક્ટીવીટી કહેવાય નહિં.
અરજદારો તરફે ગુજરાત હાઇકોર્ટનો એક ચૂકાદો રજુ થયો હતો તેમાં ગુજરાત હાઇકોર્ટે એવું ઠરાવેલ છે કે, સહકારી રહેણાંક સોસાયટીમાં ૅજૈન દેરાસરૅ બનાવી શકાય નહિં, જો દેરાસર બનાવવા દેવામાં આવે તો તેનાંથી આર્થિક ઉપાર્જન થતું હોય છે માટે તે કોમર્શીયલ-રીલિજીયસ એક્ટીવીટી (વાણિજ્ય-ધાર્મિક-પ્રવળત્તિ) કહેવાય અને કોમર્શીયલ એક્ટીવીટી સહકારી-રહેણાંકની
સોસાયટીમાં પરવાનગીને પાત્ર નથી. ટ્રીબ્યુનલે આ સંબંધે પણ જરૂરી ચર્ચા કરી હતી અને પ્રતિવાદીઓ દેરાસર બનાવવા માંગતા ન હોવાથી આપેલી લેખિત અને મૌખિક બાંહેધરીને પણ ધ્યાને લીધી હતી.
આમ, સહકારી ટ્રીબ્યુનલની મુખ્ય બેંચ વતી આ શકવર્તી ચુકાદાથી એવું પ્રસ્થાપિત થયું છે કે, સહકારી-રહેણાંક સોસાયટીમાં ઉપાશ્રય(અપાશરો) બનાવી શકાય છે અને અપાશરો બનાવવાથી કોઇ કોમર્શીયલ એક્ટીવીટી થતી નથી. ટ્રીબ્યુનલે એ હકીકતની પણ નોંધ લીધી છે કે, સાધુ-ભગવંતોના દર્શનાર્થે આવતાં લોકોની સામાજીક સમજણા (સીવીક સેન્સ) નાં અભાવે વાહન આડેધડ પાર્ક થતાં હોય છે પરંતુ તેનાથી સોસાયટીમાં ઉપદ્રવ થતો હોવાનું કહેવાય નહિં.
જૈન અપાસરો બનાવવાથી ટ્રસ્ટને કોઇ આર્થિક આવક થતી નથી : ગુરૂ ભગવંતો -સાધુ સાધ્વીજીના હંગામી રોકાણાર્થે બનાવાય છે
જે સામે પ્રતિવાદીઓ તરફે એવી દલીલ થઇ હતી કે, તેઓ કોમર્શીયલ એક્ટીવીટી કરવા માંગતા જ નથી, અપાશરો બનાવવાથી ટ્રસ્ટને કોઇ જ આર્થિક આવક થતી નથી. અપાશરો માત્ર ગુરૂ-ભગવંતો-સાધુ-સાધ્વીજીનાં હંગામી રોકાણ માટે બનાવાય છે અને તેટલા પૂરતો જ તેનો ઉપયોગ કરાય છે. જેથી ગુજરાત હાઇકોર્ટનાં ચૂકાદા મુજબ અપાશરો-કોમર્શીયલ એક્ટીવીટીની વ્યાખ્યામાં આવતો ન હોય, કોઇ મનાઇ હુકમ આપી શકાય તેવો વાદીનો કેસ જ નથી.(૯.૩ર)
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
