News of Wednesday, 21st August 2024
આરોપી દીક્ષિત પટેલની જામીન અરજી સ્પે.સીબીઆઈ કોર્ટે ફગાવી
ગોધરા નીટ કૌભાંડઃનીટમાં કૌભાંડ મામલે સીબીઆઇએ જય જલારામ સ્કૂલના આરોપી સંચાલક-ટ્રસ્ટી દીક્ષિત પટેલને ઝડપી લઇ જેલમાં મોકલી આપ્યો છે

ગોધરા,તા.૨૧
ધોરણ ૧૨ પછી વધુ અભ્યાસમાં મેડિકલમાં પ્રવેશ માટેની NEET ની પરીક્ષામાં કૌભાંડ થયાનો મામલો બહાર આવ્યા બાદ કેસમાં સંડોવાયેલા આરોપીઓ સામે ગોધરા તાલુકા પોલીસે ૈંઁઝ્રની કલમ ૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦B ૩૪ અને ૨૦૧ મુજબ ફરિયાદ નોંધાઇ હતી. આ મામલે સીબીઆઈએ તપાસ સંભાળ્યા બાદ સમગ્ર પ્રકરણમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ લાગતી હોવાને કારણે આ પ્રકરણમાં છેલ્લે ધરપકડ કરાયેલ દીક્ષિત પટેલને અરજન્ટ સ્પે. સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
જ્યાં રિમાન્ડ બાદ આરોપીને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી દીક્ષિત પટેલે રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી.
જેમાં આરોપીના વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, દીક્ષિત પટેલનો આ પ્રકરણમાં કોઇ જ રોલ નથી, તેને ખોટી રીતે સંડોવણી કરી દેવામાં આવ્યો છે, પેપર ગોધરાથી લીક થયું નથી, પોલીસ તપાસમાં તેણે સહકાર આપ્યો છે, આ મામલે મોટા ભાગની તપાસ પૂર્ણ થઈ ગઈ છે, હાલ આ કેસની ટ્રાયલ ચાલે તેમ નથી અને તેથી તેને વધુ સમય જેલમાં રહેવું પડે તેમ છે. ત્યારે કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું, તેથી જામીન આપવા જોઇએ.
જો કે, જામીન અરજી સામે સીબીઆઇએ એવી દલીલ કરી હતી કે, આ એક ગંભીર ગુનો છે, કેસની તપાસ ચાલી રહી છે, આરોપી સંચાલક અને ટ્રસ્ટી છે, તેની ગુનામાં સક્રિય ભૂમિકા છે, આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો તેની તપાસ પર વિપરીત અસર પડે તેમ છે, આખાય કૌભાંડના તાર અન્ય રાજ્યો સાથે પણ જોડાયેલ છે. તેની પણ ઊંડાણપૂર્વક તપાસ હાલ ચાલી રહી છે. ત્યારે આ આરોપીને જામીન પર મુક્ત કરવામાં આવે તો સાક્ષી ફોડી શકે અથવા પુરાવા સાથે ચેડા કરે તેવી શક્યતા છે. તેથી જામીન પર મુક્ત ન કરવો જોઇએ. બન્ને પક્ષની રજૂઆત બાદ કોર્ટે આરોપીના જામીન ફગાવી દીધી છે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
