News of Thursday, 22nd August 2024
રાજ્યના 67 તાલુકામાં પોણા 3 ઈંચ સુધી વરસાદ :નવસારીના વાંસદામાં બે કલાકમાં દોઢ ઈંચ, સંખેડામાં સવા ઈંચ ખાબક્યો
ખેડાના કઠલાલમાં 54 મિ.મી, ડાંગના આહવામાં 49 મિ.મી., કુતિયાણામાં 35 મિ.મી., છોટા ઉદેપુરના સંખેડામાં 34 મિ.મી વરસાદ

અમદાવાદ :રાજ્યમાં ધીમે-ધીમે ફરીથી વરસાદી માહોલ જામી રહ્યો છે, ત્યારે આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 67 જેટલા તાલુકામાં પોણા 3 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા દરમિયાન આણંદ જિલ્લાના ખંભાતમાં સૌથી વધુ 71 મિ.મી (પોણા 3 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય ખેડાના કઠલાલમાં 54 મિ.મી, ડાંગના આહવામાં 49 મિ.મી., નવસારીના વાંસદામાં 43 મિ.મી., પોરબંદરના કુતિયાણામાં 35 મિ.મી., છોટા ઉદેપુરના સંખેડામાં 34 મિ.મી., બનાસકાંઠાના દાંતા તેમજ સુરેન્દ્રનગરના થાનગઢમાં 32-32 મિ.મી., રાજકોટના ધોરાજીમાં 31 મિ.મી., જેતપુરમાં 29 મિ.મી, અને સુરેન્દ્રનગરના ચોટીલામાં 27 મિ.મી વરસાદ પડ્યો હતો. આમ દિવસ દરમિયાન રાજ્યના 11 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે સાંજે 6 થી 8 વાગ્યાના 2 કલાકના સમયગાળા દરમિયાન નવસારીના વાંસદામાં દોઢ ઈંચ અને છોટા ઉદેપુરના સંખેડામાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.
વડોદરામાં કેટલાય દિવસોથી વરસાદ ગાયબ થઇ ગયો હતો. જો કે ગઈકાલે અસહ્ય ઉકળાટ બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગઈકાલથી જામેલો વરસાદી માહોલ આજે પણ યથાવત જોવા મળ્યો. આજે ફરી એકવાર ભરબપોરે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ. જે બાદ શહેરના રાવપુરા, કોઠી, માંડવી, સુભાનપુરા, ગોત્રી તેમજ ઈલોરાપાર્ક સહિતના અનેક વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
