<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ: સોનગઢમાં સાડા 4 ઈંચ અને વ્યારામાં 2 કલાકમાં 2 ઈંચ તૂટી પડ્યો

વાલોદમાં 2 ઈંચ, કુકરમુંડામાં 2 ઈંચ, ડોલવણમાં 2 ઈંચ, ઉચ્છલમાં પોણા 2 ઈંચ તેમજ નિઝરમાં 1 ઈંચ જેટલો વરસાદ

અમદાવાદ :ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આજે વહેલી સવારથી રાજ્યના 182 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જે પૈકી સૌથી વધુ પોણા 9 ઈંચ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં નોંધાયો છે.

તાપીમાં આજે વહેલી સવારે 6 વાગ્યાથી જિલ્લામાં મેઘાવી માહોલ જામ્યો હતો. આખા દિવસ દરમિયાન તાપી જિલ્લાના તમામ 7 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ સાડા 4 ઈંચ વરસાદ સોનગઢ તાલુકામાં ખાબક્યો છે. આ સિવાય વાલોદમાં 2 ઈંચ, કુકરમુંડામાં 2 ઈંચ, ડોલવણમાં 2 ઈંચ, ઉચ્છલમાં પોણા 2 ઈંચ તેમજ નિઝરમાં 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે છેલ્લા બે કલાકમાં વ્યારામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ પડ્યો છે.

આખા દિવસ દરમિયાન મહેસાણાના વિજાપુર તાલુકામાં 205 મિ.મી., વલસાડના ધરમપુરમાં 137 મિ.મી., ખેડાના કપડવંજમાં 136 મિ.મી., વલસાડના વાપીમાં 118 મિ.મી., પારડીમાં 117 મિ.મી., છોટા ઉદેપુરમાં 117 મિ.મી., ગાંધીનગરના માણસામાં 116 મિ.મી.,વલસાડના ઉમરગામમાં 114 મિ.મી. વરસાદ નોંધાયો છે.

આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 80 તાલુકામાં 1 ઈંચથી વધુ, 38 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 19 તાલુકામાં 3 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જો સાંજે 4 થી 6 વાગ્યા સુધીમાં ખાબકેલા વરસાદની વિગતો જોઈએ તો, આ બે કલાક દરમિયાન રાજ્યના 79 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી મહીસાગરના ખાનપુર અને વીરપુરમાં 50-50 મિ.મી, દાહોદમાં 47 મિ.મી તેમજ સુરતના કામરેજમાં 27 મિ.મી વરસાદ વરસ્યો છે.

(9:34 PM IST)