તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Sunday, 25th August 2024
રાજ્યમાં ભારે વરસાદના એંધાણ : વિસ્તારો અને તીવ્રતા વધશે : વેલ માર્ક લૉ પ્રેશરમાં ફેરવાઈ :મજબૂત થઈ ડિપ્રેશનમાં ફેરવાશે
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમા ભારે પવન સાથે કેટલાક સ્થળે ભારે વરસાદની શક્યતા: બીજું એક અપર એર સાયક્લોનિક સરક્યુલેશન હાલ ઉતર બંગાળની ખાડીમાં સક્રિય:આગામી 24 કલાકમાં મજબૂત થઈને નવી લૉ પ્રેશર સિસ્ટમ બનશે

અમદાવાદ:સાંજે 5 વાગ્યે સેટેલાઇટ મુજબ સિસ્ટમનું લોકેશન મધ્યપ્રદેશના ભોપાલથી ઉતર પૂર્વ દિશામાં સાગર પાસે હતું. છેલ્લી 12 કલાકમાં સિસ્ટમ મુખ્યત્વે પશ્ચિમ દિશા તરફ આગળ વધી છે અને મજબૂત થઈ વેલ માર્ક લૉ પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે. આગામી 24 કલાક હજુ પણ મુખ્યત્વે પશ્ચિમ દિશામાં આગળ વધી પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર આવી વધુ મજબૂત થઈ ડિપ્રેશનમાં ફેરવાશે. સિસ્ટમની અસરથી આજે સવારથી ગુજરાત રિજિયનના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે જે આગામી સમયમાં પણ ચાલુ રહેશે અને સિસ્ટમ જેમ જેમ નજીક આવશે તેમ રાજ્યમાં ભારે વરસાદના વિસ્તારો અને તીવ્રતામાં વધારો થશે. તેમ જાણીતા વેધર એનાલિસ્ટ ગૌરવ રાણીંગા જણાવે છે
25 તારીખ આસપાસ બંગાળની ખાડીમાં ફ્રેશ લૉ પ્રેશર સિસ્ટમ બનવાનું આગોતરું એંધાણ અગાઉ આપેલું હતું તે મુજબ જ બીજું એક અપર એર સાયક્લોનિક સરક્યુલેશન હાલ ઉતર બંગાળની ખાડીમાં સક્રિય છે જે આગામી 24 કલાકમાં મજબૂત થઈને નવી લૉ પ્રેશર સિસ્ટમ બનશે .જે પણ પશ્ચિમ ઉતર પશ્ચિમ દિશામાં આગળ વધી ડિપ્રેશન સિસ્ટમ સાથે જોડાઈ એક બહોળું સર્ક્યુલેશન બનાવશે. ડિપ્રેશન સિસ્ટમ 26 તારીખે સાંજ સુધીમાં ઉતર ગુજરાત લાગુ દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો ઉપર છવાશે જે ત્યારબાદ ખૂબ ધીમી ગતિએ પશ્ચિમ દિશામાં આગળ વધી ઉતર ગુજરાત, કચ્છ અને લાગુ પાકિસ્તાન બોર્ડર વિસ્તારો નજીકથી પસાર થશે. અગાઉની અપડેટમાં જણાવ્યા પ્રમાણે સિસ્ટમની પશ્ચિમે હાઈ પ્રેશર સક્રિય હોય જે સિસ્ટમને આગળ વધવામાં અવરોધ ઊભો કરશે જેથી સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધશે.
આ સિસ્ટમની અસર હેઠળ આગામી 72 કલાક સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે જેમાં કેટલાક સ્થળે ભારે થી અતિભારે વરસાદ પડશે. ઉતર - મધ્ય - પૂર્વ ગુજરાત, મધ્ય-ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અખાત લાગુ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વધુ સાવધાની રાખવી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમા પણ ભારે પવન સાથે કેટલાક સ્થળે ભારે વરસાદની શક્યતા રહેલી છે. સિસ્ટમની આગામી દિશા પ્રમાણે ભારે વરસાદના વિસ્તારોમાં ફેરફાર શક્ય.
ખાસ સૂચના: ભારે વરસાદને લીધે કેટલાક વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા હોય જન્માષ્ટમીના તહેવારો દરમ્યાન જાહેર જનતાએ નદી, તળાવ, ઝરણાં કે ડેમ જેવા સ્થળોએ પરિવાર સાથે ફરવા જવાનું ટાળવું. સાવચેતી એજ સલામતી એ યાદ રાખવું. તંત્ર ને વિનંતી કે આવા સ્થળોએ જાહેર જનતાને પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી અગમચેતીના પગલાં લ્યે.
નોંધ: તમામ માહિતી હાલના વેધર ચાર્ટના આધારે અંગત અનુમાન છે જેમાં આગળ કુદરતી ફેરફાર થઈ શકે. તમારા વ્યવસાયિક કાર્યો માટે હવામાન વિભાગની અપડેટ ધ્યાને લેવી.
આ પોસ્ટની માહિતી અને ચિત્રો કોપી પેસ્ટ કરવાની છૂટ છે પણ નામ સાથે શેર કરવું જરૂરી છે.
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
