<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

મેઘરાજાએ દક્ષિણથી લઇને ઉત્તર ગુજરાત સુધી ધમાકેદાર બેટિંગઃ ખેરગામમાં ૬ કલાકમાં ૬ ઇંચ વરસાદ ખાબકયોઃ લોકોના ઘરોમાં પાણી ઘુસ્‍યા

સૌથી વધુ વરસાદ વાપીમાં 13 ઇંચ વરસાદ જ્યારે કપરાડા, પારડીમાં 12-12 ઇંચ વરસાદે તબાહી મચાવી

નવસારીઃ રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે મેઘરાજાએ દક્ષિણથી લઇને ઉત્તર ગુજરાત સુધી ધમાકેદાર બેટિંગ કરી છે. આજે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 234 તાલુકામાં મેઘો મનમુકીને વરસ્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ વાપીમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કપરાડા, પારડીમાં 12-12 ઇંચ વરસાદે તબાહી મચાવી છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. નવસારી જિલ્લામાં સાર્વત્રિક રીતે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. આ બધાની વચ્ચે ખેરગામમાં 6 કલાકમાં 6 ઇંચ વરસાદ પડતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગુય છે, લોકોના ઘરોમાં અને ખેતરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, અને લોકોને ઘરમાં રહેવા મજબૂર થવુ પડ્યુ છે. આ ઉપરાંત વાંસદા તાલુકામાં પણ 6 ઈંચ વરસાદે તબાહીના દ્રશ્યો સર્જ્યા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નવસારીની પૂર્ણા નદીનું જળસ્તર ઝડપથી વધ્યુ છે. પૂર્ણા નદીની જળસપાટી હાલમાં 16.75 ફૂટથી ઉપર પહોંચી છે. વાંસદાથી પસાર થતી કાવેરી નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે. કાવેરી નદીમાં જુજ ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ છે.

 

(11:12 AM IST)