<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

ગોબલજની હોટલમાં રૂમ ભાડે રાખી જુગાર રમતાં અમદાવાદ સહિતના ૨૨ ઝડપાયા

બે ગાડી, ૨૦ મોબાઇલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૂ. ૭.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કરાયો

અમદાવાદ, તા.૨૫, ખેડા જિલ્લા એલસીબી પોલીસે ગોબલજ સીમ નેશનલ હાઇવે પર આવેલ હોટલ રોયલ પેલેસમાં દરોડો પાડી રૂમો ભાડે રાખી પત્તાપાનાનો જુગાર રમતા ૨૨ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી દાવ પરની રકમ રૂ. ૩૧,૪૦૦ મોબાઇલ ફોન નંગ ૨૦, કિ.રૂ.૧,૦૬,૦૦૦ કાઉન્ટર પરથી મળેલ રોકડા રૂ. ૧,૦૫,૦૦૦ ગાડી નંગ-૨ કિ.રૂ. ૫ લાખ મળી કુલ રૂ. ૭,૪૨,૫૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખેડા પોલીસને બાતમી મળેલ કે અમદાવાદનો કેતન સુથાર પોતાના ફાયદા માટે બહારથી માણસો ભેગા કરી અમદાવાદ-ખેડા રોડ પર આવેલ ગોબલજ ગામની સીમ ને.હા.નં.૪૮ પર આવેલ હોટલ રોયલ પેલેસમાં રૂમો ભાડે રાખી હોટલના મેનેજરના મેળાપીપાણાથી હારજીતનો જુગાર પૈસા તથા કોઇનથી રાત્રીના ૧૧ થી ૪ દરમ્યાન જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે જિલ્લા પોલીસ વડા પાસેથી જુગાર ધારા કલમ ૬નું વોરંટ મેળવી હોટલ રોયલ પેલેસ પર દરોડો પાડ્યો હતો. પોલીસે રીસેપ્શન કાઉન્ટર પર બેઠેલ ઇસમની પુછપછ કરતા તેણે પોતાનું નામ પ્રમોદભાઇ વામનરાવ દભાણે (સુમીલપાર્ક વસ્ત્રાલરોડ અમદાવાદ હોવાનું અને પોતે હોટલમાં મેનેજર તરીકે નોકરી  કરતો હોવાનું જણાવ્યું હતું.

એલસીબી પોલીસે પ્રમોદને સાથે રાખી સ્ટાફ રૂમ તથા અન્ય રૂમોપર દરોડો પાડી પત્તાપાનાનો જુગાર રમતા ૨૨ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે હોટલના મેનેજર પાસેથી જુગાર રમવા માટે વપરાતા જુદાજુદા કલરના કોઇન મળી આવ્યા હતા. જુગારીયાઓ મેનેજર પાસે પૈસા જતા કરાવી કોઇન મેળવતા હતા. અને કોઇનની કિંમત કલર પ્રમાણે હતી. જેમકે સફેદ કોઇન કિ.૧૦૦ કેસરી કલરના કોઇન ૫૦૦ રૂ., છીંકણી કલરના કોઇન રૂ. ૧ હજાર જાંબલી કલરના કોઇ રૂ. બે હજારની કિંમત ગણતા હતા. પોલીસે હોટલ પાર્કિંગમાંથી સ્વીફ્ટ ડીઝાયર તથા ઇકો ગાડી કબ્જે  કરી હતી. એલસીબી પોલીસે તમામ જુગારીયાઓ પાસેથી દાવ પરની રકમ રૂ. ૩૧,૪૦૦ મોબાઇલ ફોન નંગ ૨૦ કિ.રૂ. ૧,૦૬,૦૦૦ કાઉન્ટર પરથી મળેલ રોકડ રકમ રૂ. ૧,૦૫,૦૦૦ બે ગાડી કિ.રૂ. ૫ લાખ મળી કુલ રૂ. ૭,૪૨,૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:36 PM IST)