News of Sunday, 25th August 2024
સુરતમાં બે દિ’થી મેઘરાજાની સટાસટીઃ તાપી બે કાંઠેઃ કોઝવે ઓવરફલોઃ વાહન વ્યવહાર ઠપ્પ

સુરતઃ સુરત જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ અને ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતાં ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને તાપી નદી બે કાંઠે વહી રહી છે તો બીજી તરફ સુરતમાં આવેલા કોઝવે ખાતે નયનરમ્ય દૃશ્યો સામે આવ્યા છે. કોઝવે ઓવરફ્લો હોવાથી વાહનવ્યવહાર માટે બંધ છે.
રાજ્યમાં ચોમાસાની શરૂઆત સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી જોકે ત્યારબાદ છેલ્લા કેટલાય દિવસોથી વરસાદે વિરામ લીધો હતો. દરમ્યાન છેલ્લા બે ત્રણ દિવસથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત ઉકાઇ ડેમના ઉપરવાસમાં વરસાદના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઇને તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે.
સુરતમાં આવેલો કોઝવે ઓવરફ્લો હોવાથી વાહનવ્યવહાર માટે બંધ છે. ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતા કોઝવે ખાતે નયનરમ્ય દૃશ્યો જોવા મળી રહ્યા છે. કોઝવે તેની ભયજનક સપાટી પાર કરીને હાલ ઓવરફ્લો થયો છે.
સુરત જિલ્લામાં કુલ 23 રસ્તા બંધ છે. જેમાં મહુવા તાલુકામાં 2, માંડવીમાં 8 અને માંગરોળ તાલુકામાં 13 રસ્તાઓ ભારે વરસાદના પગલે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
ઉકાઇ ડેમની પાણીની સપાટી 335.16 છે અને આઉટ ફલો 1,23,869 છે. CWC દ્વારા કરવામાં આવેલ આગાહી અને ઉકાઈ રીસરવોઈરમાં પાણીના ઈનફલોને ધ્યાને લઇ 1,90,000 ક્યુસેક સુધી પાણીનો જથ્થો આજે તબક્કાવાર જરૂરીયાત મુજબ છોડવામાં આવશે. જેથી નીચાણવાળા વિસ્તારો ઉપર સતત મોનિટરીંગ કરવા તથા સાવચેતીના તમામ જરુરી પગલા લેવા સંબંધિત અધિકારીઓને જણાવવામાં આવ્યું છે.
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
