<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

અમદાવાદમાં લોકોની વધુ અવરજવર વાળી 250થી વધુ સરકારી કચેરીઓમાં મચ્છરો ઉછેર કેન્દ્રો પકડાયા

મચ્છરના બ્રિડિંગ અંગેની તપાસ કરાતા મ્યુનિસિપલ તથા સરકારી કચેરીઓમાં 260 સ્થળે મચ્છરનો ઉપદ્રવ મળ્યો

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત સરકારી કચેરીઓ તથા ખાનગી મિલકતમાં મચ્છરના ઉપદ્રવને લઈ મ્યુનિસપિલના આરોગ્ય વિભાગ તરફથી તપાસ કરવામાં આવી હતી. છ હજારથી વધુ મિલકતમાં મચ્છરના બ્રિડિંગ અંગેની તપાસ કરાતા મ્યુનિસિપલ તથા સરકારી કચેરીઓમાં 260 સ્થળે મચ્છરનો ઉપદ્રવ મળ્યો હતો. સરકારી, અર્ધ સરકારી અને ખાનગી એમ કુલ મળીને 6080 મિલકતની તપાસ કરાતા 632 સ્પોટ પર મચ્છરનો ઉપદ્રવ મળી આવ્યો હતો. 13 ખાનગી એકમ સીલ કરાયા હતા.

શહેરમાં મચ્છરજન્ય રોગના વધતા કેસને નિયંત્રણમાં લેવા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તક આવેલ વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન ઉપરાંત ઝોન, સબ ઝોનલ કચેરીઓ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બગીચા સહિતના સ્થળોએ હેલ્થ વિભાગની ટીમ દ્વારા મચ્છરના બ્રિડીંગને લઈ તપાસ હાથ ધરી હતી. આ વર્ષની શરૂઆતમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા મ્યુનિસિપલ કચેરીઓમાં ક્યુઆર કોડ આપી એક નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી.

નોડલ ઓફિસરે તેના હસ્તકના પ્રિમાઈસીસમાં મચ્છરનો ઉપદ્રવ ના થાય તે મુજબની કાર્યવાહી કરવાની હતી. નોડલ ઓફિસર તરફથી મચ્છરના ઉપદ્રવને લઈ આપવામાં આવેલા રિપોર્ટ પછી હેલ્થ વિભાગ તરફથી સ્થળ તપાસ કરી ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યુ હતુ.

મ્યુનિપાલના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસરે કહ્યું કે, 10 જૂનથી 24 ઓગસ્ટ સુધીના સમયમાં કરવામાં આવેલા ક્રોસ વેરીફીકેશન દરમિયાન મ્યુનિસિપલ તથા સરકારી કચેરી એમ કુલ મળી 4254 સ્પોટ પર થયેલી તપાસ પછી 260 સ્પોટ પર તથા 1816 ખાનગી મિલકતોની તપાસ પછી 372 સ્પોટમાં મચ્છરના બ્રિડિંગ મળી આવ્યા હતા. કુલ મળીને રુપિયા 24.76 લાખની ૨કમ હેલ્થ વિભાગ ત૨ફથી પેનલ્ટી પેટે વસૂલ કરવામાં આવી હતી.

(6:40 PM IST)